બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું અર્નબ વાવાઝોડું આજે પરોઢીયે ૩:૩૦ વાગ્યે આંધ્ર પ્રદેશના કિનારે ત્રાટક્યું હતું. ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના બુલેટિન મુજબ, આ વાવાઝોડું અપેક્ષા કરતા વધુ ઝડપથી આગળ વધીને બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે યનમ અને કાકીનાડા નજીક તટ પરટક્યું હતું. લેન્ડફોલ સમયે પવનની સતત ઝડપ ૧૨૫ થી ૧૩૫ કિમી પ્રતિ કલાકની રહી હતી, જે એક ઝટકામાં ૧૫૦ કિમી પ્રતિ કલાકની ભયાનક સપાટીએ પહોંચી ગઈ હતી. આ વાવાઝોડાને કારણે દરિયામાં ૧.૫ થી ૨.૫ મીટર સુધીની તીવ્ર તુફાની લહેરો ઉછળી રહી છે, જ્યારે ગોદાવરી નદીના મુખ પાસે ૨ થી ૩.૫ મીટર ઊંચા મોજાં ઉછળવાની ભીતિ છે.
આ ભયાનક વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે અને આંધ્ર પ્રદેશ તથા ઓડિશામાં ૪,૦૦૦ ચક્રવાતી આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. તટીય વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૮૪,૦૦૦ થી વધુ લોકોને સુરક્ષિત રીતે ખસેડીને રેસ્ક્યૂ શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ઓડિશામાં અલગથી ૩૦, હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ભારે વરસાદ અને પવનોને કારણે વિશાખાપટ્ટનમ અને વિજયવાડા એરપોર્ટની ૨૧ ફ્લાઇટ્સ અને આશરે ૫૦ ટ્રેનો રદ કરવામાં આવી છે. વિશાખાપટ્ટનમમાં માત્ર ૧૮ કલાકમાં ૨૦૦ મિમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે સેંકડો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થવાથી માર્ગ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ અને ગોદાવરી સહિતના જિલ્લાઓમાં ૧૦૦ મિલીમીટરથી વધુ વરસાદ પડવાથી અનાજના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને વહીવટીતંત્રે ૧૬૭ ગામોમાં પૂરનું એલર્ટ જાહેર કર્યું છે.
આ વાવાઝોડાની અસર માત્ર આંધ્ર પ્રદેશ પૂરતી સીમિત નથી રહી, પરંતુ ઓડિશાના ૧૬ જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે અને તેલંગાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર તેમજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ ૨૮ થી ૩૦ ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લેન્ડફોલની પ્રક્રિયા ૩ થી ૪ કલાક સુધી ચાલુ રહેવાની શક્યતા હોવાથી કાકીનાડા, યનમ અને નરસપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની કડક સૂચના આપવામાં આવી છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી જાનમાલનું નુકસાન અટકાવી શકાય.
