રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા પોતાના વૈશ્વિક પ્રભાવ અને આર્થિક તાકાતને મજબૂત કરવા માટે અમેરિકા દ્વારા લગાડવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા પર ભાર મૂકી રહ્યું છે. અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ પરથી પ્રતિબંધો હટાવવાની અરજી પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. જો આ પ્રતિબંધો હટી જાય તો રશિયા સામેના અમેરિકાના વર્ષો જૂના આર્થિક દબાણની નીતિને મોટો ફટકો પડી શકે છે. રશિયન અધિકારીઓ આ ફંડ દ્વારા અમેરિકામાં ડીઝલ મોકલવાના મુદ્દે પણ સતત દબાણ કરી રહ્યા છે.
આ સમગ્ર પ્રક્રિયા પાછળ અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો સુધારવાનો અને યુદ્ધનો અંત લાવવાનો હેતુ હોવાનું એક US અધિકારીએ જણાવ્યું છે. આ ફંડના વડા કિરીલ દિમિત્રીવને અમેરિકન નેગોશિએટર્સ માટે ખૂબ જ મદદરૂપ દૂત ગણાવવામાં આવ્યા છે. ટ્રમ્પની ટીમે તાજેતરમાં જ રશિયા સાથે જોડાયેલા કેટલાક મુખ્ય પ્રતિબંધો અને ટેરિફ્સ પણ હળવા કર્યા છે, જેમાં ઓઈલ અને ગેસની ખરીદી પરના દંડ પણ સામેલ છે. તાજેતરમાં ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકૉફે સેન્ટ પીટર્સબર્ગ ખાતે પુતિન સાથેની મુલાકાતમાં કિરીલ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, અલાસ્કામાં નેચરલ ગેસનું ઉત્પાદન અને યુરોપમાં રશિયન ગેસની નિકાસ વધારવા જેવા પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચાઓ ચાલી રહી છે.
આ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડની વાત કરીએ તો, વર્ષ 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણના થોડા જ દિવસો પછી બાઇડન એડમિનિસ્ટ્રેશને આ ફંડ પર પ્રતિબંધો મૂકી દીધા હતા અને તેને પુતિનનું સ્લશ ફંડ ગણાવ્યું હતું. નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પૂર્વ અધિકારી એરિક ગ્રીનના જણાવ્યા અનુસાર, જો આ પ્રતિબંધો હટાવવામાં આવશે તો દુનિયાભરમાં ખોટો સંદેશ જશે કે અમેરિકા પોતાના વલણમાં નરમ પડી રહ્યું છે. ટ્રમ્પની ટીમનું માનવું છે કે બિઝનેસ ડીલ્સ કરવાથી યુદ્ધનો અંત લાવવામાં મદદ મળી શકે છે અને વોશિંગ્ટન રશિયા સાથે સારા સંબંધો ઈચ્છે છે તેવું સાબિત થઈ શકે છે. જો કે, રિપબ્લિકન લૉમેકર્સ સહિતના ઘણા વિરોધીઓનું માનવું છે કે ટ્રમ્પ યુદ્ધ રોકવાની માંગ કર્યા વિના જ રશિયાને આર્થિક ફાયદાઓ આપી રહ્યા છે.
