સ્પેનમાંથી એક મોટા અને ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ટોલેડો પાસે પૂરપાટ ઝડપે દોડતી બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ ગઈ છે. બુધવારે સવારના સમયે બનેલી આ ઘટનાને કારણે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને તાત્કાલિક અસરથી મેડ્રિડને દક્ષિણ અંડાલુસિયા રીજન સાથે જોડતી મહત્વની રેલ લાઇન સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ ગંભીર અકસ્માતના સમાચાર મળતા જ ઇમરજન્સી મેડિકલ ટીમ અને રેસ્ક્યુ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
રેલવે ઓપરેટર અદિફ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી માહિતી મુજબ, આ અકસ્માત સ્પેનના લોસ યેબેનેસ અને ઉર્ડા શહેરો વચ્ચે સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો. મેડ્રિડથી સેવિલે તરફ જઈ રહી હતી તે એવ ટ્રેન અને સામેથી આવી રહેલી ઇર્યો ટ્રેન વચ્ચે પાછળથી આ ભયાનક ટક્કર થઈ હતી. સ્થાનિક અખબારના અહેવાલો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરીને સીધા નીચે ઢોળાવ કે ખાડામાં પટકાઈ ગયા હતા, જેના કારણે અકસ્માતનું કદ વધુ મોટું બન્યું છે અને ઘણા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ દુર્ઘટના બાદ રેલવે વહીવટી તંત્ર સામે સુરક્ષાને લઈને મોટા સવાલો ઉભા થયા છે અને ટ્રેન વ્યવહાર ઠપ થઈ જવાથી હજારો મુસાફરો અટવાયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી ચાલુ છે અને ડોક્ટરની ટીમ તેમની સારવારમાં લાગેલી છે. રેલવે ઓપરેટર અને સંબંધિત વિભાગો દ્વારા આ અકસ્માત પાછળની ટેક્નિકલ ખામી કે માનવીય ભૂલ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે આગામી સમયમાં ટ્રેન લાઇન પૂર્વવત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
