યુનિયન કેબિનેટે બુધવારે મળેલી બેઠકમાં દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. સરકારે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો છે, જેના માટે 10,016 કરોડ રૂપિયાનું એલોકેશન કરવામાં આવ્યું છે. ડીએ અને ડીઆરમાં આ વધારો ગત 1 જુલાઈ 2026થી લાગુ ગણવામાં આવશે, કારણ કે રાહત દર 60 ટકાથી વધીને હવે 63 ટકા થઈ ગયો છે. 7મા સેન્ટ્રલ પે કમિશનની ભલામણોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી તહેવારોની મોસમમાં સરકારી કર્મચારીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે.
આ નવા વધારાથી દેશભરના અંદાજે 48 લાખ કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સ સીધા લાભાન્વિત થશે. આ ઉપરાંત, 6ઠા પે સ્કેલ મુજબ ડીએ 262 ટકાથી વધીને 269 ટકા અને 5મા પે સ્કેલ મુજબ 48ર્ચ ટકાથી વધીને 497 ટકા કરવામાં આવ્યું છે. માત્ર ડીએ જ નહીં, પરંતુ કેબિનેટે અન્ય મોટા વિકાસ કાર્યો માટે પણ મંજૂરીની મહોર મારી છે, જેમાં 10,000 કરોડ રૂપિયાના બજેટ સાથે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ અને 7,395 કરોડ રૂપિયાના ખર્ચે પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજનાનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં સ્પોર્ટ્સ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટે 8 વર્ષ એટલે કે ફાઇનાન્સિયલ યર 2026-27થી 2033-34 સુધી 1,856 કરોડ રૂપિયાનું આઉટલે ફાળવવામાં આવ્યું છે. આ સ્કીમ હેઠળ મેન્યુફેક્ચરિંગ ઝોન્સ, ઇન્વેસ્ટમેન્ટ સપોર્ટ, રિસર્ચ અને સ્કીલ ડેવલપમેન્ટ જેવા પાસાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સરકારના આ તમામ નિર્ણયો દેશના અર્થતંત્રને વેગ આપવા અને વિવિધ સેક્ટર્સને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
