JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

રિટાયરમેન્ટ પછી પણ વ્યાજ આપશે તમારો EPF એકાઉન્ટ, જાણી લો આ ખાસ નિયમ

Oct 28, 2026 | 15:26 | By JAMNAGAR MIRROR
રિટાયરમેન્ટ પછી પણ વ્યાજ આપશે તમારો EPF એકાઉન્ટ, જાણી લો આ ખાસ નિયમ
નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ તમારા PF ખાતામાં 3 વર્ષ સુધી વ્યાજ જમા થતું રહે છે. જો તમે રિટાયરમેન્ટના સમયે આ ફંડ ઉપાડો નહીં તો વ્યાજની રકમથી તમારું ભંડોળ મોટું થઈ શકે છે.

નોકરી પૂરી થયા પછી કે 58 વર્ષની વયે રિટાયર થયા બાદ કર્મચારીઓના મનમાં એક મોટો સવાલ હોય છે કે શું હવે તેમને PF ખાતા પર વ્યાજ મળશે કે નહીં? EPFOના નિયમ મુજબ, રિટાયરમેન્ટ પછી પણ તમારું EPF બેલેન્સ આગામી 36 મહિના એટલે કે 3 વર્ષ સુધી વ્યાજ કમાવાનું ચાલુ રાખે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલી માહિતીમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 58 વર્ષની વયે નિવૃત્ત થનાર કર્મચારી વ્યક્તિ 61 વર્ષની ઉંમર સુધી વ્યાજનો લાભ મેળવી શકે છે. જો કે, આ સમયગાળા દરમિયાન ખાતામાં કોઈ નવા પૈસા જમા કરાવવાના હોતા નથી, છતાં જૂની રકમ પર વ્યાજનો લાભ મળતો રહે છે.

આ નિયમને સમજવા માટે જો આપણે ગણતરી કરીએ તો, ધારો કે કોઈ વ્યક્તિ 58 વર્ષની ઉંમરે રિટાયર થાય છે અને તેના ખાતામાં 50 લાખ રૂપિયાનું EPF બેલેન્સ પડ્યું છે. હાલમાં EPFO દ્વારા વ્યાજ દર 8.25 ટકા નક્કી કરવામાં આવ્યો છે, જે દર વર્ષે રિવ્યૂ થાય છે. જો આ 50 લાખ રૂપિયા પર આગામી 3 વર્ષ સુધી વાર્ષિક 8.25 ટકાના દરે વ્યાજ મળતું રહે, તો તમારું આ ફંડ વધીને અંદાજે 63 લાખ 42 હજાર રૂપિયા થઈ જશે. એટલે કે માત્ર 3 વર્ષમાં વ્યાજ પેટે જ તમારા ખાતામાં અંદાજે 13 લાખ 42 હજાર રૂપિયાનો જંગી વધારો થઈ શકે છે, જે રિટાયરમેન્ટ પછીના દિવસોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

પરંતુ આ વ્યવસ્થામાં એક મહત્ત્વની મર્યાદા પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. કર્મચારીની ઉંમર 61 વર્ષની થાય અને તે આ ફંડ નહીં ઉપાડે તો તેનું EPF એકાઉન્ટ ઇનએક્ટિવ બની જશે અને ત્યારબાદ ખાતામાં વ્યાજ મળવાનું બંધ થઈ જશે. જો કોઈ ખાતામાં રિટાયરમેન્ટ, વિદેશ સ્થળાંતર કે મૃત્યુ પછી 3 વર્ષ સુધી કોઈ યોગદાન કે લેવડદેવડ ન થાય તો તેને ઇનએક્ટિવ ગણવામાં આવે છે. તેથી કર્મચારીઓએ PF ફંડ વિડ્રો કરતા પહેલાં લેટેસ્ટ ગાઈડલાઈન્સ ચોક્કસ ચકાસી લેવી જોઈએ અને જરૂર પડે તો ખાતાને ફરી ઓપરેટિવ બનાવવા માટે યોગ્ય પ્રોસેસ કરવી જોઈએ.

LATEST ARTICLES