ઇઝરાયેલના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે યશાશ પાર્ટીના નેતા અને 66 વર્ષીય ગાડી આઈસેનકોટે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે મોરચો ખોલ્યો છે. મોરક્કોથી આવેલા યહૂદી પરિવારમાં જન્મેલા આઈસેનકોટે 1978માં આર્મી જોઈન કરી હતી અને 41 વર્ષ સુધી દેશની સેવા કરી હતી. ફેબ્રુઆરી 2015થી જાન્યુઆરી 2019 સુધી તેઓ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ એટલે કે IDFના ચીફ ઓફ જનરલ સ્ટાફ રહ્યા હતા. લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા બાદ તેમણે 2022માં સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને ઇમરજન્સી વોર કેબિનેટમાં પણ રહ્યા હતા, જો કે બાદમાં તેમણે નેતન્યાહુની રણનીતિ સામે સવાલો ઉઠાવીને કેબિનેટ છોડી દીધું હતું.
હાલમાં જ યોજાયેલી ચૂંટણીના એક્ઝિટ પોલ અનુસાર 120 સભ્યોવાળી કનેસેટમાં કોઈ પણ પક્ષ કે ગઠબંધનને સરકાર બનાવવા માટે જરૂરી 61 સીટોનો જાદુઈ આંકડો મળ્યો નથી. નેતન્યાહુનું રાઇટ-વિંગ બ્લોક 50 થી 52 સીટો મેળવી શકે છે, જ્યારે વિપક્ષી બ્લોકને 49 થી 53 સીટો મળવાનો અંદાજ છે અને આરબ નેતૃત્વવાળા પક્ષો લગભગ 17 થી 18 સીટો જીતી શકે છે. સત્તાવાર ગણતરી હજુ ચાલુ છે ત્યારે આઈસેનકોટનો મુખ્ય ચૂંટણી પ્રચાર સુરક્ષા, સુશાસન અને મજબૂત મિલિટરી નિર્ણયોની આસપાસ રહ્યો છે. તેઓ ગાઝામાં હમાસના શાસનને ખતમ કરવા, હિઝબુલ સામે કડક વલણ અને ઇરાનને ન્યુક્લિયર હથિયારો બનાવતા અટકાવવાની વાતો ખુલીને કરી રહ્યા છે.
આઈસેનકોટ માટે સૌથી મોટો પડકાર આ વિભાજિત સંસદમાં સરકાર બનાવવાનો રહેશે કારણ કે તેમણે આરબ પક્ષોને પોતાની સરકારમાં સામેલ કરવાનો ઇનકાર કર્યો છે. તેમનો લશ્કરી રેકોર્ડ તેમને સુરક્ષા મામલે મજબૂત ચહેરો બનાવે છે, પરંતુ રાજકીય સફળતા માટે વૈચારિક મતભેદો દૂર કરીને પૂરતો પાર્લામેન્ટરી સપોર્ટ મેળવવો જરૂરી બનશે. નેતન્યાહુની સત્તાને પલટાવવા માટે આ પૂર્વ આર્મી ચીફ આગામી સમયમાં કેવા રાજકીય દાવપેચ રમે છે તેના પર આખા દેશની નજર ટકેલી છે.
