રાજકોટમાં ચોમાસું પૂરું થતાની સાથે જ શહેરીજનોની તરસ છીપાવતા ઘરઆંગણેના આજી 1 અને ન્યારી 1 ડેમમાં પાણીની સ્થિતિને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ડેડ વોટર બાદ કરતા આ બંને ડેમમાં હાલ માત્ર 10 નવેમ્બર સુધી જ ચાલે તેટલો પાણીનો જથ્થો બચ્યો છે. મહાનગરપાલિકા પાસે હાલ આજી, ન્યારી અને મહદ અંશ ભાદર 1 સિવાય બીજા કોઈ મોટા જળસ્ત્રોત ઉપલબ્ધ નથી અને આ સિઝનમાં પણ ડેમોમાં માત્ર બે જ દિવસનું નવું પાણી આવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આખું વર્ષ નર્મદા મૈયાના સહારે જ જીવવું પડે તેવી નોબત આવી છે, જેને લઈને તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરા આયોજનના ભાગરૂપે કમર કસવામાં આવી છે.
વર્તમાન સંજોગોમાં રાજકોટની 20 લાખની જનસંખ્યા પર જળ સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે મ્યુનિસિપાલટી દ્વારા સરકાર સમક્ષ આગામી ચોમાસા સુધી આજીમાં 2100 અને ન્યારી ડેમમાં 1900 એમસીએફટી એટલે કે કુલ 4000 એમસીએફટી અને અંદાજે 11,200 કરોડ લીટર નર્મદા નીરની માગણી કરવામાં આવી છે. ગત સપ્તાહે જ મ્યુનિસિપાલ કમિશનર તુષાર સુમેરા ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને વહેલી તકે પાણી નહીં મળે તો સર્જાનારી ભયંકર કટોકટીનો આંકડાકીય ચિતાર રજૂ કર્યો હતો. સામાન્ય રીતે રાજકોટ માટે ફેબ્રુઆરી અને જૂન મહિનામાં નર્મદાનું પાણી માગવું પડતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું પૂરું થતાની સાથે જ શહેરને નર્મદાના ભરોસે રહેવું પડ્યું છે.
આ ગંભીર મામલે મેયર ડો. નેહલ શુક્લે મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે રાજકોટને વર્ષ દરમિયાન પૂરતું 4000 એમસીએફટી નર્મદા નીર આપવાની પાકા પાયે ખાતરી આપી દીધી છે. મેયરે સ્પષ્ટ વચન આપ્યું છે કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે આખું વર્ષ નર્મદાનું પાણી સતત મળતું જ રહેશે અને શહેરમાં કોઈપણ પ્રકારે પાણીકાપ મૂકવામાં આવશે નહીં. સરકારની આ ખાતરીથી રાજકોટવાસીઓને મોટો રાહતનો શ્વાસ લીધો છે અને આગામી દિવસોમાં શહેરમાં પાણીની કોઈ કટોકટી નહીં સર્જાય તેવી પૂરી આશા બંધાઈ છે.
