ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો ઘણીવાર સ્ટેશનોના સરખા નામને કારણે ભારે મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. માઘ મેળો કે અન્ય મોટા ધાર્મિક આયોજનો વખતે મુસાફરોને ટિકિટમાં પ્રયાગરાજ નામ જોઈને થતી ભુલામણાથી બચાવવા માટે રેલવે પ્રશાસને ૩ સ્ટેશનોના નામમાંથી પ્રયાગરાજ પ્રીફિક્સ હટાવવાનો પ્રસ્તાપ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાપ મુજબ પ્રયાગરાજ છીવકી, પ્રયાગરાજ રામબાગ અને પ્રયાગરાજ સંગમ સ્ટેશનના નામ બદલીને અનુક્રમે છીવકી, રામબાગ અને સંગમ કરવા માટે વિચારણા ચાલી રહી છે, જ્યારે મુખ્ય પ્રયાગરાજ જંક્શનનું નામ યથાવત રાખવામાં આવશે.
આ પ્રસ્તાપ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુસાફરો ટિકિટ પર માત્ર પ્રયાગરાજ શબ્દ વાંચીને મુખ્ય જંક્શન પર પહોંચી જાય છે, જ્યારે વાસ્તવમાં છીવકી સ્ટેશન મુખ્ય જંક્શનથી આશરે 10 કિલોમીટર દૂર આવેલું છે. આ પ્રકારની ગેરસમજને કારણે અનેકવાર મુસાફરોની ટ્રેન છૂટી જવાની ઘટનાઓ સામે આવી છે અને આવી જ સમસ્યા વારાણસી તરફ જતી ટ્રેનોના મુસાફરોને રામબાગ સ્ટેશન પર પણ થાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 18 ઓક્ટોબર 2018ના રોજ અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યા બાદ ફેબ્રુઆરી 2020માં રાજ્ય સરકારની નોટિફિકેશનથી આ તમામ 4 સ્ટેશનોને પ્રયાગરાજ પ્રીફિક્સ આપવામાં આવ્યું હતું, જેમાં હવે ૩ સ્ટેશનોના નામ ટૂંકા કરવાની કવાયત હાથ ધરાઈ છે.
પ્રયાગરાજ ડિવિઝનના પીઆરઓ અમિત કુમાર સિંહના જણાવ્યા અનુસાર આ સમગ્ર પ્રસ્તાપ મંત્રાલય સ્તરે અંતિમ નિર્ણય માટે રેલવે બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે. રેલવે તંત્રનું માનવું છે કે નામ ટૂંકા અને અલગ-અલગ થવાથી ભીડભાડવાળા સમયમાં કે ધાર્મિક પર્વો વખતે મુસાફરોને તેમનું બોર્ડિંગ પોઈન્ટ શોધવામાં સરળતા રહેશે. જ્યાં સુધી મંત્રાલય કે રેલવે બોર્ડ તરફથી આ મામલે લીલીઝંડી નથી મળતી, ત્યાં સુધી આ તમામ સ્ટેશનો તેમના વર્તમાન નામથી જ ઓળખાતા રહેશે.
