ઘરમાં કાગળ, કપડા કે અન્ય વસ્તુઓ કાપતી વખતે જ્યારે કાતર કામ આપવાનું બંધ કરી દે ત્યારે આપણને ગુસ્સો આવે છે અને આપણે તેને ફેંકી દેવાનું વિચારીએ છીએ. જોકે, કાતરને ધારદાર બનાવવાનો કોઈ ચોક્કસ સમયગાળો હોતો નથી, પણ તેનો ઉપયોગ કેટલી વારમાં અને કયા હેતુ માટે થાય છે તેના પર તે નિર્ભર છે. સામાન્ય રીતે વર્ષમાં ઓછામાં ઓછા 2 વખત તેની ધાર તપાસવી જોઈએ અને જરૂર જણાય તો તેને ફરી ધારદાર બનાવી લેવી ઉપયોગી સાબિત થાય છે. આ માટે બજારમાં જવાની કોઈ જરૂર નથી, પરંતુ કેટલાક ઘરેલું જુગાડ અપનાવીને જ કામ થઈ શકે છે.
કાતરની ધાર તેજ કરવા માટે વ્હેટસ્ટોન એટલે કે ધાર કાઢવાનો પથ્થર એકદમ કારગર સાબિત થાય છે. કાતરની બ્લેડનો મૂળ કોણ જાળવી રાખીને તેને પથ્થર પર હળવેથી ઘસવાની રહે છે. જો ઘરમાં આ પથ્થર કે શાર્પનર ન હોય તો 200-ગ્રિટ સેન્ડપેપરને વાળીને તેના પર કાતરથી થોડા કટ લગાવી શકાય છે, જેનાથી બ્લેડની ધાર સુધરી જાય છે. આ સિવાય ઘણા લોકો એલ્યુમિનિયમ ફોઇલ કાપવાની રીત પણ અજમાવતા હોય છે, જેનાથી બ્લેડની સપાટી પરનો ખડબચડાપણો દૂર થઈ જાય છે. જો કે, આ બધી પ્રક્રિયા કરતી વખતે ખૂબ કાળજી રાખવી પડે છે અને રોટરી ગ્રાઇન્ડિંગ વ્હીલનો જાતે ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી બ્લેડનો આકાર બગડી શકે છે અને ઇજા થવાનું જોખમ પણ રહે છે.
કાતર લાંબો સમય સુધી સારી ચાલે તે માટે તેની નિયમિત જાળવણી અને સાફ-સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. કાતર પર ગુંદર કે ચીકાશ જામી ગઈ હોય તો તેને યોગ્ય ક્લીનરથી સાફ કરીને હંમેશા સૂકી જગ્યાએ જ રાખવી જોઈએ જેથી કાટ ન લાગે. ઉપરાંત, જાડું પ્લાસ્ટિક કે સખત બોક્સ કાપવાથી કાતરની ધાર ખરાબ થઈ શકે છે, તેથી કાગળ, કપડાં અને રસોડાના ઉપયોગ માટે અલગ-અલગ કાતર રાખવીિતા હિતાવહ છે. સામાન્ય કાતરને ક્યારેય ડિશવોશરમાં ધોવી નહીં કારણ કે અન્ય વાસણો સાથે અથડાવાથી તેને નુકસાન થઈ શકે છે.
