ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના એંધાણ વચ્ચે રાજકોટના રાજકારણમાં અચાનક મોટો ગરમાવો જોવા મળ્યો છે. શહેર ભાજપમાં અંદરોઅંદર ચાલી રહેલી ખેંચતાણ અને વર્ચસ્વની લડાઈ વચ્ચે રાજકોટના 4 દિગ્ગજ નેતાઓ એકસાથે નવી દિલ્હીના પ્રવાસે પહોંચ્યા છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. પાર્ટીમાં કોઈ એક સક્ષમ નેતાના અભાવે અલગ-અલગ જૂથો સક્રિય થયા છે ત્યારે આ અચાનક થયેલી દિલ્હી મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભરત બોધરા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ નીતિન ભારદ્વાજ, પૂર્વ મેયર મુકેશ દોશી અને પૂર્વ સ્થાયી ચેરમેન જયમીન ઠાકરે દિલ્હીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે ખાસ ખાનગી મુલાકાત કરી છે. આ મુલાકાતના ફોટા પણ સામે આવ્યા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના નિધન બાદ લાંબો સમય નિષ્ક્રિય રહ્યા બાદ નીતિન ભારદ્વાજ છેલ્લા 6 મહિનાથી ફરી સક્રિય થયા છે અને આ ચારેય નેતાઓનું એક મંચ પર આવવું એ રાજકોટના રાજકારણમાં કોઈ નવા સમીકરણો રચાઈ રહ્યા હોવાના સ્પષ્ટ સંકેત આપે છે.
સંગઠનમાં પકડ ધરાવતા આ અનુભવી નેતાઓની પાટીલ સાથેની આ બેઠકને આગામી વિધાનસભા ચૂંટણી માટેની ટિકિટની દાવેદારી અને શક્તિ પ્રદર્શન સાથે જોડીને જોવામાં આવી રહી છે. રાજકીય માહોલમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ ફોટા હેતુપૂર્વક વાયરલ કરીને પ્રતિસ્પર્ધી જૂથોને કોઈ ચોક્કસ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આગામી સમયમાં આ દિલ્હી મુલાકાત બાદ રાજકોટ ભાજપના સ્થાનિક રાજકારણમાં કેવા નવા રંગો જોવા મળે છે અને પક્ષ દ્વારા શું પગલાં લેવાય છે તે જોવું રસપ્રદ રહેશે.
