JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓની દીવાળી સુધરી, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર

Oct 28, 2026 | 16:00 | By JAMNAGAR MIRROR
દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓની દીવાળી સુધરી, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં (DA) 3 ટકાનો વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી 1 કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે અને સરકાર પર રૂપિયા 10,016 કરોડનો નાણાકીય બોજ પડશે.

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકારે પોતાના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કુલ રૂપિયા 29,267 કરોડની વિકાસ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) પાછળ રૂપિયા 10,016 કરોડની ફાળવણીનો પણ સમાવેશ થાય છે. દશેરાથી જ કર્મચારીઓ આ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને અગાઉની બેઠકોમાં જાહેરાત ન થવાથી માંગ વધુ પ્રબળ બની હતી, જેને હવે સરકારે સ્વીકારી લીધી છે.

સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણય મુજબ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA) 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે કુલ DA વધીને 63 ટકા પર પહોંચી ગયો છે. આ નવો વધારો ગત 1 જુલાઈથી જ અમલી ગણવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સમયગાળાની બાકી નીકળતી રકમ એટલે કે એરિયર્સ ઓક્ટોબરના પગાર સાથે ઉમેરીને નવેમ્બર મહિનામાં ચૂકવવામાં આવશે, જેનાથી તહેવારોની સિઝનમાં કર્મચારીઓના હાથમાં વધુ નાણાં આવશે.

સરકારના આ પગલાથી દેશના કરોડો કર્મચારીઓ અને પેન્શનરોના પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ મોંઘવારી ભથ્થાના વધારા પાછળ કેન્દ્ર સરકારની તિજોરી પર રૂપિયા 10,016 કરોડનો વાર્ષિક વધારાનો નાણાકીય બોજ પડશે, છતાં તહેવારોની મોસમમાં સામાન્ય વર્ગને રાહત આપવા માટે આ પગલું અત્યંત આવશ્યક માનવામાં આવી રહ્યું છે.

LATEST ARTICLES