જ્યારે વર્ષ 2001માં શાંતિ દેવીનું અવસાન થયું, ત્યારે પરિવારના સભ્યોને ખબર પડી કે તેમણે 7 ઓક્ટોબર 1999ના રોજ એક વસિયત રજીસ્ટર કરાવી હતી. આ વસિયત મુજબ નરેલા અને અન્ય વિસ્તારોની 3.11 બિકા જમીન સહિત તમામ પ્રોપર્ટી તેમના પૌત્ર ગહેલોતના નામે કરવામાં આવી હતી અને પરિવારના બાકીના સભ્યોને વારસાઈમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ વાત સામે આવતા જ પરિવારમાં મોટો વિવાદ શરૂ થયો અને સવાલો ઉઠ્યા કે દાદીએ પૌત્રને જ બધું કેમ આપી દીધું. આ મામલો કોર્ટમાં પહોંચ્યો અને 17 ઓક્ટોબર 2010ના રોજ દિલ્હી હાઈકોર્ટે આ વસિયત કેસમાં ગહેલોતના પક્ષમાં પ્રોબેટે મંજૂર કરીને વસિયતને કાયદેસર સાબિત કરી દીધી હતી.
ગહેલોતના પરિવારજનોએ કોર્ટમાં અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે દાદી શાંતિ દેવી ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમના પગમાં સ્ટીલના રૉડ નાખેલા હતા તેમજ તેઓ વોકરના સહારે ચાલતા હતા. પરિવારનું એવું પણ કહેવું હતું કે અવસાનના બે વર્ષ અગાઉ તેમને ફ્રેક્ચર થયું હોવાથી તેઓ પથારીવશ હતા અને તેમની હિલચાલ મર્યાદિત હતી, જેથી આ વસિયત બનાવટી છે. આ ઉપરાંત, દિલ્હી લેન્ડ રિફોર્મ્સ એક્ટની કલમ 50 મુજબ જમીન માત્ર પુરુષ વારસદારોને જ મળી શકે તેવી દલીલ પણ કરવામાં આવી હતી. જોકે, આ કેસ દરમિયાન ગહેલોતની માતાએ કોર્ટમાં સાક્ષી આપતા જણાવ્યું કે દાદીએ વસિયત બનાવીને પરિવારને બતાવી હતી અને અવસાન બાદ તે કબાટમાંથી મળી આવી હતી.
દિલ્હી હાઈકોર્ટમાં કાનૂની નિષ્ણાતોના મતે ગહેલોત એટલા માટે સફળ રહ્યા કારણ કે કોર્ટને સંતોષ થયો કે વસિયત કાયદાકીય પ્રક્રિયા મુજબ જ યોગ્ય રીતે બની હતી. ગહેલોતે કોર્ટમાં એક સાક્ષીને રજૂ કર્યો હતો જેમણે પુષ્ટિ કરી કે દાદીએ તેમની હાજરીમાં જ વસિયત પર સહી કરી હતી અને સબ-રજીસ્ટ્રારની testimony દ્વારા પણ વસિયતનું રજીસ્ટ્રેશન સાચું સાબિત થયું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર એટલા માટે કે કોઈ વારસદારને વસિયતમાંથી બહાર રાખવામાં આવ્યા છે, તે કોઈ શંકાસ્પદ સંજોગો નથી બનતા કારણ કે વસિયતનો હેતુ જ વ્યક્તિની ઈચ્છા મુજબ પ્રોપર્ટી વહેંચવાનો છે. આથી કોર્ટે વસિયતને માન્ય રાખીને પૌત્રની તરફેણમાં ફેંસલો આપ્યો છે.
