અમદાવાદ શહેરમાં અગાઉ શાળાઓ, કોર્ટ અને મહત્ત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મોકલવાના પ્રકરણમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. પોલીસની ઊંડાણપૂર્વક થયેલી ટેક્નિકલ તપાસમાં આ આખી ઘટના પાછળ કોઈ સામાન્ય શખ્સ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રોસ-બોર્ડર ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. તહેવારો કે મોટા કાર્યક્રમો પહેલાં સામાન્ય નાગરિકોમાં ભય અને ગભરાટ ફેલાવવાના હેતુસર જ આ મેઈલ મોકલવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા માટે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા હેક કરાયેલા અને જૂના ઈમેલ આઈડી ખરીદવામાં આવતા હતા. ત્યારબાદ આ બાંગ્લાદેશી નાગરિકો દ્વારા તે ઈમેલ આઈડી પાકિસ્તાનમાં બેઠેલા હેકર્સ કે ઓપરેટરોને વેચવામાં આવતા હતા. આ સમગ્ર સોદાબાજી અને આંતરરાષ્ટ્રીય નેટવર્કને ચલાવવા માટે પાકિસ્તાનથી ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી નાણાંની ચૂકવણી કરવામાં આવતી હોવાનું ટેક્નિકલ એનાલિસિસમાં સત્તાવાર રીતે ખુલ્યું છે. ધમકીભર્યા મેઈલ મોકલવાનું આ નેટવર્ક સીધું પાકિસ્તાન સાથે જોડાયેલું હોવાના પાક્કા પુરાવાઓ હાલ સાયબર ક્રાઈમની ટીમને હાથ લાગ્યા છે.
આ આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીઓ સાથે સંકલન કરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને ક્રિપ્ટો વોલેટ ટ્રેસિંગના આધારે આ નેટવર્કના અન્ય સહયોગીઓ અને સ્થાનિક સ્તરે મદદ કરનારા શખ્સોની પણ સઘન ભાળ મેળવવામાં આવી રહી છે. પોલીસની આ કડક અને ઊંડી કાર્યવાહીથી સાયબર ફ્રોડ આચરતા અને શહેરમાં દહેશત ફેલાવતા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
