JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

દેશના દિગ્ગજ પેરા-એથ્લીટ નીરજ યાદવનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ

Oct 28, 2026 | 12:45 | By JAMNAGAR MIRROR
દેશના દિગ્ગજ પેરા-એથ્લીટ નીરજ યાદવનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ
એશિયન પેરા ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીતનારા સ્ટાર ખેલાડી નીરજ યાદવે 42 વર્ષની વયે દુનિયા અલવિદા કહી દીધી છે. ડ્રોપિંગ સસ્પેન્શન અને માનસિક તણાવના અહેવાલો વચ્ચે દિલ્હીના ફ્લેટમાંથી તેમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ખેલ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ભારતના સ્ટાર પેરા-એથ્લીટ અને 3 વખત એશિયન પેરા ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ યાદવ મંગળવારે રાત્રે દિલ્હીના એક ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઉત્તર પ્રદેશના વતની એવા 42 વર્ષીય નીરજ F55 કેટેગરીમાં રમતા હતા અને દેશના સૌથી સફળ ખેલાડીઓમાં તેમની ગણતરી થતી હતી. માત્ર 7 વર્ષની ઉંમરે પોલિયોના કારણે શારીરિક પડકારોનો સામનો કરવા છતાં તેમણે ક્યારેય હાર માની ન હતી અને રમતગમતમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. બુધવારે દિલ્હીની GTB હોસ્પિટલ ખાતે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે કે આ ઘટના પાછળનું સાચું કારણ શું હતું.

નીરજ યાદવની કરિયરની વાત કરીએ તો તેમણે 2005થી 2012 સુધી વીલચેર ટેનિસ રમીને પછી પેરા-એથ્લેટિક્સમાં ઝંપલાવ્યું હતું. તેમણે 2018ની જકાર્તા એશિયન પેરા ગેમ્સમાં F55 જાવેલિન થ્રોમાં 29.84 મીટરના એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી 2023ની હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં વધુ 2 ગોલ્ડ મેડલ જીતીને તેમણે કુલ 3 ગોલ્ડ મેડલ દેશના નામે કર્યા હતા. જોકે, ઓક્ટોબર 2023માં બેંગલુરુમાં લેવાયેલા સેમ્પલમાં સ્ટેનોઝોલોલ નામનું સ્ટેરોઈડ પકડાતા નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ડોપિંગ સસ્પેન્શનના કારણે તેઓ આગામી એશિયન પેરા ગેમ્સમાં રમી શક્યા ન હતા.

ભારતના ચીફ પેરા-એથ્લેટિક્સ કોચ એસ. સત્યનારાયણે જણાવ્યું હતું કે નીરજે ફ્લેટમાં ઝેર ગળીને આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા છે. ડોપિંગ સસ્પેન્શનના કારણે રમતથી દૂર રહેવું અને સરકારી પુરસ્કારો તથા રોજગારીની તકો ગુમાવવી પડવાથી તેઓ ભારે ઇમોશનલ ડિસ્ટ્રેસમાં હોઈ શકે છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હોસ્પિટલ ખાતે પેરાલિમ્પિક ચેમ્પિયન સુમિત અંતીલ અને સાથી ખેલાડી વિપિન કાસાના પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર દેશના સ્પોર્ટ્સ જગતમાં સન્નાટો છવાઈ ગયો છે અને ખેલાડીઓ તેમજ ચાહકો સ્બ્ધ છે.

LATEST ARTICLES