સોયાબીનના સ્થાનિક બજારમાં ભાવમાં ભારે તેજી જોવા મળતા તેની સીધી અસર આયાત પર પડી છે અને દેશમાં વિદેશથી થતી સોયાબીનની ખરીદી અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. અગાઉના વર્ષમાં ભારતની સોયાબીન આયાત નામિનલ એટલે કે માત્ર આશરે 2,000 ટન જેટલી જ હતી, જે 2025/26માં વધીને સીધી 1.1 મિલિયન મેટ્રિક ટન પર પહોંચી ગઈ છે. સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SOPA) દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ઘરેલુ બજારમાં ભાવ ઉંચકાતા મિલ્સે વિદેશી બજાર તરફ દોટ મૂકી છે.
ભારત સરકાર માત્ર નોન-જેનેટિકલી-મોડિફાઈડ સોયાબીનની જ આયાત કરવાની મંજૂરી આપે છે, જેના કારણે સપ્લાય માત્ર બેનિન, નાઈઝર, ટોગો અને નાઈજીરિયા જેવા આફ્રિકન દેશો પૂરતો જ મર્યાદિત છે. આ દેશોમાં મળતી નોન-જીએમ વરાયટીના ભાવ જીએમ વરાયટી કરતા ઘણા વધારે હોય છે. ટ્રેડર્સના અંદાજ મુજબ, 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા માર્કેટિંગ વર્ષ દરમિયાન નાઈઝરે ભારતમાં 430,000 ટનથી વધુ સોયાબીનની શિપમેન્ટ મોકલીને સૌથી મોટા નિકાસકારનું સ્થાન મેળવ્યું છે. જો કે, આ આયાતના ધસારા વચ્ચે ભારતીય કસ્ટમ્સ ઓથોરિટીએ નાઈઝરના નામે થતી આયાત પર શંકા વ્યક્ત કરી તપાસ શરૂ કરી છે, કારણ કે આ કાર્ગો ખરેખર નાઈજીરિયાથી આવતો હોઈ શકે અને ઈમ્પોર્ટ ટેરિફથી બચવા માટે લેબલ બદલવામાં આવ્યા હોવાની આશંકા છે.
આ આયાત વધવાની સાથે દેશની નિકાસ પર પણ મોટી અસર જોવા મળી છે અને 2025/26માં ભારતની સોયામિલની નિકાસ ઘટીને અડધી એટલે કે માત્ર 1 મિલિયન ટન રહી ગઈ હોવાનું SOPAએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે. સ્થાનિક બજારના ઊંચા ભાવ અને વિદેશી ખરીદીના આ રમઝટ વચ્ચે આગામી દિવસોમાં કસ્ટમ્સ તપાસના પરિણામો અને આયાત નીતિ પર સૌની નજર રહેશે.
