દિલ્હી એરપોર્ટથી કેબ દ્વારા ગુરુગ્રામ પરત ફરી રહેલી એક મહિલા સોફ્ટવેર એન્જિનિયર અને એઆઈ પ્રોફેશનલ શર્મા સાથે ખૂબ જ ડામાડોળ અને ભયજનક ઘટના બની છે. ઉબેર કેબના ડ્રાઈવરે મુસાફરી પૂરી થયા બાદ એપમાં બતાવેલા ભાડા કરતાં ડબલથી પણ વધુ રૂપિયા માંગતા મામલો ગરમાયો હતો. મહિલાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાને પોતાના જીવનનો સૌથી ખરાબ અને ડરામણો અનુભવ ગણાવ્યો છે, જેના કારણે કેબ સેફટી અને મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.
ઘટનાની વિગતો મુજબ મહિલાએ એરપોર્ટથી ગુરુગ્રામ માટે ઉબેર બુક કરી હતી, જેનું એપમાં અંદાજે રૂ. 625 ભાડું બતાવતું હતું. પરંતુ મંજિલે પહોંચ્યા બાદ ડ્રાઈવરે અન્ય એક એપનો સ્ક્રીનશોટ બતાવીને રૂ. 1479 ની માંગણી શરૂ કરી અને કહ્યું કે આ રૂટનું આટલું જ ભાડું થાય છે. મહિલાએ જ્યારે સાચું ભાડું ચૂકવીને પોતાનું લગેજ બહાર કાઢવાની કોશિશ કરી, ત્યારે ડ્રાઈવરે કાર લોક કરી દીધી અને હાથ પકડીને તથા બારી બંધ કરીને લગેજ બહાર કાઢતા અટકાવ્યા હતા. ભારે રસાકસી બાદ મહિલા માંડ પોતાનો સામાન કાઢીને ત્યાંથી નીકળી શકી હતી પરંતુ ડ્રાઈવરે હદ વટાવી દીધી હતી.
સામાન લઈને ઘરે પહોંચેલી મહિલાનો પેલો ડ્રાઈવર છેક તેના ઘર સુધી પીછો કરીને પહોંચી ગયો હતો. સવારે આશરે 4:45 વાગ્યે બનેલી આ ઘટનામાં ડ્રાઈવરે ઘરનો ગેટ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને ગાળાગાળી કરી હતી. મહિલા ઘરમાં જઈને દરવાજો બંધ કરી દે તો પણ આરોપી ગેટ પર ચડીને તેને જાનથી મારવાની ધમકીઓ આપતો રહ્યો હતો. મહિલાએ આ મુશ્કેલ સમયમાં ઉબેરની સેફટી સપોર્ટ ટીમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ ઉપલબ્ધ ન થઈ શકી. આ વાયરલ પોસ્ટ બાદ પોલીસે કડક નોંધ લઈને મહિલાનો સંપર્ક કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
