JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ફ્લાયદુબઈના જાંબાઝ કેપ્ટન સ્મિત મચ્છરને દુબઈનું સર્વોચ્ચ સન્માન એનાયત

Oct 28, 2026 | 12:40 | By JAMNAGAR MIRROR
ફ્લાયદુબઈના જાંબાઝ કેપ્ટન સ્મિત મચ્છરને દુબઈનું સર્વોચ્ચ સન્માન એનાયત
આકાશમાં 174 મુસાફરોના જીવ બચાવવા માટે લોહીલુહાણ હાલતમાં પણ અદમ્ય હિંમત દાખવનાર ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરને દુબઈના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ઝાયેદ II થી નવાજવામાં આવ્યા છે. યુએઈના રાષ્ટ્રપતિએ તેમને ગળે લગાવીને સન્માનિત કર્યા હતા.

આકાશની ઉંચાઈ પર મોત સામે જંગ જીતીને સેંકડો લોકોનો જીવ બચાવનાર ભારતના જાંબાઝ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને દુબઈમાં મોટું સન્માન મળ્યું છે. ફ્લાયદુબઈના મુસાફરોના રક્ષણ માટે પોતાના પ્રાણની પરવા કર્યા વગર લોહીલુહાણ હાલતમાં પણ અડગ રહેલા કેપ્ટન સ્મિતને યુએઈનો પ્રતિષ્ઠિત ઓર્ડર ઓફ ઝાયેદ II, ફર્સ્ટ ક્લાસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે કેપ્ટન સ્મિત પોતાના ક્રૂ સાથે આ ભવ્ય સન્માન સમારોહમાં પહોંચ્યા, ત્યારે આ સાચા હીરોના સમર્પણ અને જુસ્સાને જોઈને ઉપસ્થિત તમામ લોકો ગર્વથી છલકાઈ ગયા હતા અને આખી હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો.

આ ઐતિહાસિક સન્માન સમારોહમાં યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને કેપ્ટન સ્મિત મચ્છરને પ્રેમથી ભેટી પડ્યા હતા અને તેમની બહાદુરીને સલામી આપી હતી. આ ગરિમાપૂર્ણ પ્રસંગે દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ તેમજ બંને અમીરાતના શાહી પરિવારના સભ્યો પણ વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા. ગત 30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં એક ઓમાની કો-પાયલોટે મોટો ઘાતક હુમલો કર્યો હતો, જેમાં કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ હોવા છતાં પોતાની સૂઝબૂઝથી 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવી લીધા હતા.

આ દુર્ઘટના અને કેપ્ટન સ્મિતની ત્વરિત કાર્યવાહીની નોંધ લઈને યુએઈ સરકાર દ્વારા તેમને આ સર્વોચ્ચ નાગરિક અને લશ્કરી સન્માન આપવામાં આવ્યું છે. અગાઉ 9 ઓક્ટોબરના રોજ યુએઈના એટર્ની જનરલ દ્વારા ખુલાસો કરાયો હતો કે આરોપી ઓમાની કો-પાયલોટનો ઈરાદો વધુમાં વધુ લોકોને નુકસાન પહોંચાડવાનો હતો, પરંતુ કેપ્ટન સ્મિતની હિંમતના કારણે મોટી હોનારત ટળી ગઈ હતી. તેમની આ અદ્ભુત બહાદુરી અને વીરતાની નોંધ માત્ર દુબઈ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ છે, અને આગામી સમયમાં તેમને ઇઝરાયલ તરફથી પણ વિશેષ સન્માન અને આમંત્રણ આપવામાં આવ્યું છે.

LATEST ARTICLES