રાજકોટ પંથકમાં વ્યાજખોરોનો આતરાઈ ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં કુખ્યાત ભુમાફિયા અલ્પેશ દોંગા સામે વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. કોટડાસાંગાણી તાલુકાના જૂની મેંગણી ગામે રહેતા અને ખેતી કરતા 50 વર્ષના ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો પ્રેમજીભાઈ ભાલોડીને આર્થિક મુશ્કેલીના સમયમાં વ્યાજખોરીના રવાડે ચડવું ભારે પડ્યું હતું. વર્ષ 2018 માં પારિવારિક અને આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે ખેડૂતે પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટની જાહેરાત જોઈને અલ્પેશ દોંગાનો સંપર્ક કર્યો હતો. જ્યાંથી શરુઆતમાં 2 લાખ અને બાદમાં 5 લાખ એમ કુલ 7 લાખ રૂપિયા 5 ટકાના ઊંચા વ્યાજે લેવાની ફરજ પડી હતી અને આ લોનની સિક્યુરિટી પેટે અલ્પેશ દોંગાએ ખેડૂતની વડીલોપાર્જીત 11 વીઘા જમીનનો સાટાખત તેના માણસોના નામે કરાવી લીધો હતો.
આ મામલો ત્યારે વધુ વણસ્યો જ્યારે સમય જતાં સાટાખતની મુદત પૂરી થઈ અને ખેડૂત પાસે પૈસાની સગવડ ન હોવાથી અલ્પેશ દોંગાએ અવનવા પેંતરા રચીને જુદી જુદી વ્યક્તિઓના નામે દસ્તાવેજો બનાવવાનું શરૂ કરી દીધું. અલ્પેશ દોંગાએ તેના મળતિયાઓ દ્વારા ખેડૂત ઉપર દબાણ વધારીને એવું રટણ કર્યું કે હવે તમારા લીધેલા 7 લાખ રૂપિયા વ્યાજ સહિત વધીને રૂ. 32 લાખ થઈ ગયા છે. આ રકમ ચૂકવવા માટે અથવા તો તેટલી કિંમતની જમીન લખી આપવા દબાણ કરવામાં આવ્યું હતું. પરિણામે, ડરના માહોલમાં ખેડૂતે પોતાની 2 એકર જમીન અલ્પેશ દોંગાના સંબંધીના નામે દસ્તાવેજ કરી આપી હતી. એટલું જ નહીં, અન્ય એક શખ્સ વિક્રમ ડાંગરે પણ વકીલ મારફતે નોટિસ મોકલીને બાકી રહેલી જમીન પણ પોતાના નામે કરાવી લીધી હતી, જેના કારણે આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.
આ સમગ્ર પ્રકરણમાં અલ્પેશ દોંગાએ માત્ર 7 લાખ રૂપિયા સામે ખેડૂત પાસેથી વ્યાજ પેટે અને જમીન વેચીને કુલ રૂ. 64 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ દ્વારા સતત ધમકીઓ આપવા છતાં આખરે ત્રાસી ગયેલા ખેડૂતે હિંમત દાખવીને લોધિકા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ દોંગા અને તેના સહયોગીઓ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ માન્તે ગંભીરતાથી લઈને કાયદેસરની તપાસ હાથ ધરી છે, જેના કારણે રાજકોટ અને આસપાસના વિસ્તારના અન્ય વ્યાજખોરોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
