ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત પ્રખ્યાત બોન્ડી બીચ પર ગત ડિસેમ્બરમાં યહૂદીઓના તહેવાર દરમિયાન એક ભયાનક ગોળીબારની ઘટના બની હતી, જેમાં 15 લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ગંભીર ઘટનાની આડમાં આર્થિક વળતર મેળવવાનો કાળો કારસો રચી રહેલા એક 46 વર્ષીય શખ્સનો પર્દાફાશ થયો છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સે પોતે બોન્ડી બીચ શૂટિંગમાં ઈજાગ્રસ્ત થયો હોવાનું ખોટું નિવેદન આપીને વળતર મેળવવા માટે ફ્રોડ ક્લેમ કર્યો હતો, જેની તપાસ બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આ મામલે કડક પગલાં લેતા મંગળવારે જ આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની સામે ખોટી તથા ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવીને ફાયદો મેળવવાનો ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગયા વર્ષે 14 ડિસેમ્બરે થયેલા આ હુમલામાં સાજિદ અક્રેમ નામના 50 વર્ષીય હુમલાખોરને પોલીસે ઠાર માર્યો હતો, જે 1998માં વિઝા પર ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. જ્યારે તેનો ઓસ્ટ્રેલિયામાં જન્મેલો પુત્ર નાવીદ અક્રેમ હાલ કસ્ટડીમાં છે અને તેની સામે ટેરરિઝમ તેમજ 15 હત્યાઓ સહિત કુલ 78 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
આ કેસમાં પકડાયેલા ખોટા દાવા કરનાર આરોપીને હાલ શરતી જામીન આપવામાં આવ્યા છે, અને તેણે પશ્ચિમ સિડનીની પારરામા લોકલ કોર્ટમાં 18 નવેમ્બરે હાજર રહેવું પડશે. બીજી તરફ, મુખ્ય આરોપી નાવીદ અક્રેમના કેસમાં સિડનીની કોર્ટે આગામી વર્ષે 24 ફેબ્રુઆરીએ તેની કમિટલ હિયરિંગની તારીખ નક્કી કરી છે, જ્યાં તે પ્રિઝનમાંથી જ ઓડિયો-વિડિયો લિંક દ્વારા કોર્ટ સમક્ષ હાજર રહેશે. આ બનાવથી ઓસ્ટ્રેલિયામાં સુરક્ષા એજન્સીઓ અને વળતર કૌભાંડો સામે ચાલી રહેલી તપાસમાં નવો ખુલાસો થયો છે.
