JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

સુરતમાં નળમાંથી પીળું અને વાસ મારતું પાણી આવતા રોગચાળાનો ખતરો, તંત્રએ હાથ ખંખેર્યા

Oct 28, 2026 | 12:15 | By JAMNAGAR MIRROR
સુરતમાં નળમાંથી પીળું અને વાસ મારતું પાણી આવતા રોગચાળાનો ખતરો, તંત્રએ હાથ ખંખેર્યા
સ્વચ્છતા માટે એવોર્ડ જીતનારા સુરતમાં જ લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળી રહ્યું. નળમાંથી પીળું અને દુર્ગંધયુક્ત પાણી આવતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે તંત્રએ પાણી ઉકાળીને પીવાની અજીબ સલાહ આપીને જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો છે.

દેશભરમાં સ્વચ્છતા અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એવોર્ડ જીતનારી સુરત મહાનગરપાલિકા (SMC) ના સુશાસનના દાવાઓની પોલ પીવાના પાણીની મૂળભૂત સુવિધામાં જ ખુલ્લી પડી ગઈ છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ઘરોમાં પીળું, ડહોળું અને અત્યંત દુર્ગંધયુક્ત પીવાનું પાણી સપ્લાય થઈ રહ્યું છે. હજુ તાજેતરમાં જ ચોમાસું પૂર્ણ થયું હોવા છતાં અને તાપી નદી પરનો સિંગણપોર કોઝવે સતત ઓવરફ્લો રહ્યો હોવા છતાં નાગરિકોને શુદ્ધ પાણી નસીબ થઈ રહ્યું નથી. પીવાના પાણીના નામે રોગચાળો વહેંચાઈ રહ્યો હોવાથી સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

શહેરના મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં સવાર-સાંજ અપાતા સપ્લાયમાં પીળા રંગનું ગંદુ પાણી આવી રહ્યું છે, જેમાંથી અસહ્ય વાસ આવે છે. આ દૂષિત પાણી વાપરવા કે પીવાલાયક ન હોવા છતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો તેને પીવા માટે મજબૂર બન્યા છે. ગંદા પાણીના સતત વપરાશથી ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કમળો અને ચામડીના રોગો જેવા જીવલેણ રોગચાળો વકરવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા એવો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે કે ઉપરવાસમાં ઓછો વરસાદ પડવાના કારણે કોઝવેમાં પાણીનું લેવલ ઘટી ગયું છે, જેના લીધે તાપી નદીમાં લીલ અને જળકુંભી વધી ગઈ છે અને પાણી ગંદું આવી રહ્યું છે. જોકે, હજુ થોડા દિવસો પહેલાં જ ચોમાસાની સિઝનમાં સિંગણપોર કોઝવે 6 મીટરથી વધુ સપાટીએ સતત ઓવરફ્લો વહી રહ્યો હોવા છતાં પાલિકાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ દ્વારા પાણીને યોગ્ય રીતે ફિલ્ટર કેમ કરવામાં નથી આવતું તે મોટો સવાલ છે.

ભારે હોબાળો મચતાં આખરે SMC શાસક પક્ષના નેતાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે શહેરમાં પીવાનું પાણી ગંદું આવી રહ્યું છે અને નાગરિકોની ફરિયાદ વ્યાજબી છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ તાત્કાલિક ટેકનિકલ ખામી દૂર કરી શુદ્ધ પાણી વિતરણ કરવા રજૂઆત કરવામાં આવી છે. લોકો મોંઘા વોટર ટેક્સ અને સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકા તરફથી તાત્કાલિક રાહત આપવાને બદલે નાગરિકોને એવી શિખામણ આપવામાં આવી છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રોગચાળાથી બચવા માટે મનપાનું પાણી ઉકાળીને અને ગાળીને જ પીવું, જેણે સુરતીઓમાં રોષ વધુ ભડકાવ્યો છે.

LATEST ARTICLES