દિલ્હીના શોખીનો માટે મોટા સમાચાર આવ્યા છે કે હવે વાઇન શોપ પર લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો મળશે. દિલ્હી સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (DSIIDC) દ્વારા 'દિલ્હી લિકર બુકિંગ' નામની એક નવી સરકારી એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી ગ્રાહકો પોતાની પસંદગીની બ્રાન્ડ ઓનલાઈન સિલેક્ટ કરી શકશે, સ્ટોક ચેક કરી શકશે અને ડિજિટલ પેમેન્ટ પણ કરી શકશે. આ નવો પ્રયોગ રાજધાનીમાં દિલ્હી એક્સાઇઝ નિયમો અને કિંતોમાં પારદર્શિતા લાવવા તેમજ ભીડ ઓછી કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે.
આ નવી સિસ્ટમનો ઉપયોગ કરવા માટે ગ્રાહકની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી ફરજિયાત છે. હાલમાં આ સુવિધા રાજધાનીમાં DSIIDC દ્વારા સંચાલિત કુલ 208 લિકર આઉટલેટ્સ પર જ ઉપલબ્ધ છે. એપ દ્વારા ઓર્ડર કરતી વખતે ગ્રાહકે પોતાની નજીકની શોપ સિલેક્ટ કરવાની રહેશે, બ્રાન્ડ અને બોટલની સાઈઝ પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કન્ફર્મ થતાં જ એપ પર એક ક્યૂઆર કોડ જનરેટ થશે. ગ્રાહકે સિલેક્ટ કરેલી શોપ પર જઈને આ ક્યૂઆર કોડ સ્કાન કરાવવાનો રહેશે, જેનાથી સ્ટાફ મેમ્બર્સ તરત જ ઓર્ડર હેન્ડઓવર કરી દેશે. નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ એક સમયે વધુમાં વધુ 9 લીટર વિસ્કી અને 18 લીટર બીયર ખરીદી શકે છે.
જો કે આ ઓનલાઈન બુકિંગમાં હોમ ડિલિવરીની કોઈ સુવિધા આપવામાં આવી નથી, એટલે ગ્રાહકે જાતે જ શોપ પર જવું પડશે. ખાસ વાત એ છે કે પેમેન્ટ કર્યા પછીના 48 કલાકની અંદર જ બોટલ કલેક્ટ કરી લેવાની રહેશે. જો ગ્રાહક ઈચ્છે તો શોપ પર જઈને ઓર્ડર કલેક્ટ કરતા પહેલા તેને કેન્સલ પણ કરી શકે છે, પરંતુ એકવાર બોટલ વેચાઈ ગયા પછી કે કલેક્ટ થઈ ગયા પછી તેને રિટર્ન કરવાનો કોઈ નિયમ નથી. હાલમાં આ સર્વિસ માત્ર 208 આઉટલેટ્સ પૂરતી જ સીમિત છે, પરંતુ આગામી સમયમાં તે લોકોને મોટી રાહત આપશે તેવી અપેક્ષા છે.
