વિમાન મુસાફરી દરમિયાન એરપોર્ટ પર ખાવા-પીવાની ચીજોના ભારેભખમ બિલ ચૂકવવાથી કંટાળેલા સામાન્ય પ્રવાસીઓ માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા શરૂ કરવામાં આવેલા UDAN Yatri Café પહેલ અંતર્ગત હવે મુસાફરોને એકદમ કિફાયતી ભાવે ચા, કોફી અને ખાણીપીણીની વસ્તુઓ મળી રહેશે. દિલ્હીના પ્રખ્યાત Indira Gandhi International (IGI) એરપોર્ટના ટર્મિનલ 3 પર ચેક-ઇન એરિયામાં આ ખાસ કાફે શરૂ કરવામાં આવ્યું છે, જે મોંઘા ખાણાના વિકલ્પ તરીકે પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય બની રહ્યું છે. સરકારનો આ મુખ્ય ઉદ્દેશ્ય એરપોર્ટ પર આવતા સામાન્ય પેસેન્જર્સને ખિસ્સા પર ભાર ન પડે તેવા ભાવે પાયાની સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ કાફેના મેનુ અને કિંમતો પર નજર કરીએ તો ગ્રાહકોને ખૂબ જ સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત ચીજો આપવામાં આવી રહી છે. કાફેમાં લઘુત્તમ 500 ml ની પે્કડ ડ્રિંકિંગ વોટર બોટલ માત્ર 10 રૂપિયામાં, ચા 10 રૂપિયામાં અને કોફી 20 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, દિવસનો નાસ્તો (જેમાં સમોસા, કચોરી, પેટીસ કે વડાપાઉં હોઈ શકે છે) અને દિવસની મીઠાઈ પણ માત્ર 20 રૂપિયાના ફિક્સ્ડ રેટ પર આપવામાં આવે છે. શરૂઆતમાં આ સુવિધા દિલ્હી પૂરતી સીમિત ન રહેતા દેશના અનેક એરપોર્ટ્સ સુધી વિસ્તારવામાં આવી છે. 29 સપ્ટેમ્બર 2025ના રોજ વિજયવાડા એરપોર્ટ બાદ, ફેબ્રુઆરી 2026માં મુંબઈ, સુરત, અમદાવાદ, પુણે, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, લખનૌ, જયપુર, પટના, રાજકોટ અને વારાણસી સહિત દેશભરના કુલ 25 એરપોર્ટ્સ પર આ કાફે શરૂ થઈ ચૂક્યા છે.
આ પહેલથી એરપોર્ટ પર મુસાફરી કરતા લોકોને મોંઘવારી સામે મોટી રાહત મળી છે અને પ્રવાસીઓ ટ્રાવેલિંગ દરમિયાન પોતાના ખર્ચનું આયોજન સરળતાથી કરી શકે છે. સરકાર અને સિવિલ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા આગામી સમયમાં આ સુવિધાને વધુ વિસ્તૃત કરવાના પ્લાન પર કામ ચાલી રહ્યું છે. સુરક્ષા અને ઓપરેશનલ મંજૂરીઓને ધ્યાનમાં રાખીને એરપોર્ટના ડિપાર્ચર હોલ્ડ એરિયામાં પણ આવા વધુ કાફે શરૂ કરવા માટે ઓપરેટર્સ સાથે ચર્ચાઓ ચાલી રહી છે, જેથી વધુમાં વધુ હવાઈ મુસાફરો આ સસ્તી અને ઉત્તમ સેવાઓનો લાભ લઈ શકે.
