વિશ્વપ્રસિદ્ધ સોકર સ્ટાર કિલિયાન એમ્બાપે મુશ્કેલીમાં મુકાયો છે જ્યારે તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન ચીનના સ્થાપક નેતા માઓ ઝેડોંગને કથિત રીતે ડિક્ટેટર એટલે કે તાનાશાહ તરીકે સંબોધ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયો ક્લિપમાં એમ્બાપે પોતાના ફેવરિટ મીમ વિશે વાત કરી રહ્યો હતો, જેમાં તેનું ચહેરાવાળું માઓ ઝેડોંગનું એડિટ કરેલું ચિત્ર દેખાયું હતું. આ નિવેદન બહાર આવતા જ ચીનમાં ભારે રોષ ફેલાયો હતો અને સોશિયલ મીડિયા પર ખેલાડી સામે સખત પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. આ વિવાદ એટલો વધી ગયો કે ચીની સોશિયલ પ્લેટફોર્મ વીબો પર આ મામલે ટ્રેન્ડિંગ હેશટેગ્સ શરૂ થઈ ગયા અને ચાહકોએ તેનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી.
આ વિવાદની ગરમી એટલી તીવ્ર હતી કે ચીનની ઓછામાં ઓછી 3 મોટી કંપનીઓએ એમ્બાપે સાથેના સ્પોન્સરશિપ કરાર તાત્કાલિક ધોરણે રદ કરી દીધા છે. બેવરેજ મેકર ડોંગપેંગ, ડેરી જાયન્ટ મેંગન્યુ અને ચીઝમેકર મિલ્કગ્રાઉન્ડે સ્પષ્ટ કર્યું કે તેઓ રાષ્ટ્રીય ભાવનાઓને ઠેસ પહોંચાડનારા કોઈપણ શબ્દો કે કૃત્યોનો વિરોધ કરે છે. આ ઉપરાંત, ચાઇના ફૂટબોલ એસોસિએશને રિયલ મેડ્રિડ ક્લબ સમક્ષ સખત વિરોધ નોંધાવીને ફોર્મલ માફીની માંગ કરી છે, જ્યારે ચીન મીડિયા ગ્રુપે સ્પેનિશ લીગ લા લીગાની મેચોનું પ્રસારણ સસ્પેન્ડ કરીને એમ્બાપેની જાહેરાતો હટાવી દીધી છે. સ્પેનિશ લીગ લા લીગાએ પણ આ ઘટના પર ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે અને ચીન સાથેના સંબંધો સાચવવા માટે કમ્યુનિકેશન પ્રોટોકોલ બનાવવાની જાહેરાત કરી છે.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને કિલિયાન એમ્બાપેએ મંગળવારે એક સત્તાવાર નિવેદન જારી કરીને બિનશરતી માફી માંગી લીધી છે. એમ્બાપેએ જણાવ્યું કે તેની ટિપ્પણી અપરિપક્વ હતી અને તેનો હેતુ ચીન કે દુનિયાભરના ચીની સમુદાયના લોકોને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેને ચીની લોકો અને તેમના ઇતિહાસ માટે ઊંડો આદર છે અને તે પોતાની આ ભૂલ માટે દિલથી શરમ અનુભવે છે. બીજી તરફ, લા લીગાના પ્રેસિડેન્ટ જાવિયર ટેબાસે પણ સ્થિતિ થાળે પાડવા માટે સ્પેનમાં ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી હતી જેથી આ એક વ્યક્તિગત એપિસોડથી લા લીગાના લાંબા ગાળાના વ્યૂહાત્મક સંબંધોને કોઈ નુકસાન ન પહોંચે.
