દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે કમાલ કરી દેખાડ્યો છે અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આ સેક્ટરના શાનદાર આંકડા દુનિયા સામે મૂક્યા છે. આ સેક્ટરે દેશમાં કુલ 25,000 કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન અને 3,000 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો છે. સરકારે આ સેક્ટર માટે પીઆઈએલ સ્કીમ અંતર્ગત જે 19,000 કરોડ રૂપિયાના ઇન્સેન્ટિવ્સ ચૂકવ્યા હતા, તેના કરતાં સરકારને ટેક્સ સ્વરૂપે અનેકગણી વધુ કમાણી થઈ છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતના મોબાઈલ મેન્યુફેક્ચરિંગ મોડેલની સફળતા પર સવાલ ઉઠાવનારા રિપોર્ટ્સ તદન પાયાવિહોણા છે. રોજગારીની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કુલ 25 લાખ લોકોને રોજગારી મળી છે, જેમાં એકલા મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે જ 12 લાખ લોકોને કામ આપ્યું છે.
સરકારે આ સફળતાને આગળ ધપાવવા માટે ફાઈનાન્શિયલ યર 2026-27થી ફાઈનાન્શિયલ યર 2030-31 સુધી ચાલનારી નવી મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (એમપીએમએસ) મંજૂર કરી છે, જેમાં કુલ 62,500 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. આ નવી સ્કીમ હેઠળ મોબાઈલ ફોનના વેચાણ પર 2.25% થી 5% સુધીના ઇન્સેન્ટિવ્સ મળશે, એટલું જ નહીં પરંતુ લોકલ લેવલે પાર્ટ્સ બનાવવા પર વધારાનું 1.5% ઇન્સેન્ટિવ પણ આપવામાં આવશે. સરકારનું મુખ્ય ધ્યાન દેશમાં જ પાર્ટ્સનું ઉત્પાદન વધારવા અને ભારતીય મોબાઈલ બ્રાન્ડ્સને રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે મજબૂત બનાવવાનું છે.
આ નવી નીતિના કારણે આગામી સમયમાં આ સેક્ટરનું કુલ ઉત્પાદન આશરે 39 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે અને એક્સપોર્ટમાં પણ જબરદસ્ત ઉછાળો આવશે. આ સ્કીમ પૂરી થતાં સુધીમાં અંદાજે 60,000 જેટલી નવી ડાયરેક્ટ નોકરીઓનું સર્જન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે લાર્જ સ્કેલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટેની જૂની પીઆઈએલ સ્કીમ 31 માર્ચ, 2026ના રોજ પૂરી થઈ રહી છે, ત્યારે આ નવી યોજના દેશમાં મેન્યુફેક્ચરિંગની ગતિને અવિરત જાળવી રાખવા માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થશે.
