તારીખ 1 ઓક્ટોબર, 2026ના રોજ આવેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં ઝારખંડ હાઈકોર્ટે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક શખ્સને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલો ફેબ્રુઆરી 26, 2009નો છે, જ્યાં જમીન વિવાદની અદાવતમાં એક મહિલાને કુવામાં ડૂબાડીને મારી નાખવાનો આરોપસર લોકલ પોલીસ દ્વારા મર્ડરનો ગુનો નોંધીને ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે એપ્રિલ 2018માં આ કેસમાં આરોપીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા અને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેને આરોપીએ હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ આનંદ સેન અને જસ્ટિસ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની ડિવિઝન બેન્ચે નોંધ્યું કે આરોપી એક અભણ ગ્રામીણ હતો, છતાં તેની સામેના પુરાવાઓ અંગેના સવાલો અંગ્રેજીમાં નોંધવામાં આવ્યા હતા અને રેકોર્ડ પર એવું કોઈ પ્રમાણ નહોતું કે તેને તે ભાષામાં સમજાવવામાં આવ્યા હોય. એટલું જ નહીં, પાવર ફેઈલ થવાના કારણે સ્ટેટમેન્ટ બીજા દિવસે પ્રિન્ટ કાઢીને અંગૂઠો લેવામાં આવ્યો હતો, જેનાથી સ્પષ્ટ થાય છે કે આરોપીને દસ્તાવેજની કન્ટેન્ટ બિલકુલ સમજાવાઈ ન હતી. કોર્ટે જણાવ્યું કે જે વ્યક્તિ અંગ્રેજી વાંચી કે સમજી શકતી નથી, તેની સાથે અંગ્રેજીમાં કાર્યવાહી કરવી તે ફેર ટ્રાયલના મૂળ સિદ્ધાંત પર મોટો ઘા છે.
કોર્ટે પ્રોસિક્યુશનના પુરાવાઓની પણ ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં ફરિયાદીના નિવેદનમાં વિરોધાભાસ અને કુવામાં પાણીનું સ્તર માત્ર 3 ફૂટ હોવા જેવી બાબતો સામે આવી હતી, જેનાથી બળજબરીથી ડૂબાડીને મારવાની થિયરી શંકાના ઘેરામાં આવી ગઈ હતી. મેડિકલ એવિડન્સમાં પણ મૃતદેહ પર કોઈ બાહ્ય કે આંતરિક ઈજાઓ મળી ન હતી, અને તપાસ કરનાર ઓફિસર પણ કોર્ટમાં હાજર રહી શક્યા નહોતા. આ તમામ ગંભીર ક્ષતિઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે માન્યું કે પ્રોસિક્યુશન કેસને શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેથી કોર્ટે આજીવન કેદની સજા રદ્દ કરીને જો અન્ય કોઈ કેસમાં જરૂર ન હોય તો આરોપીને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
