JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

દિલ્હી એરપોર્ટથી રાઈડ લેવી પડી મોંઘી, ઊબર ડ્રાઈવરે મુસાફર મહિલા પાસે માંગ્યા ડબલ કરતા વધુ રૂપિયા

Oct 28, 2026 | 10:55 | By JAMNAGAR MIRROR
દિલ્હી એરપોર્ટથી રાઈડ લેવી પડી મોંઘી, ઊબર ડ્રાઈવરે મુસાફર મહિલા પાસે માંગ્યા ડબલ કરતા વધુ રૂપિયા
દિલ્હી એરપોર્ટથી ઊબર કેબમાં બેઠેલી મહિલા ટેકી સાથે ડ્રાઈવરે ભાડા મુદ્દે ભારે બરોબરદાસી કરી હતી. ડ્રાઈવરે એપના ભાડા કરતા બમણાથી વધુ રૂપિયા માંગ્યા અને વિરોધ કરતા ગાડી લોક કરીને સામાન પણ રોકી લીધો હતો. આટલું જ નહીં, ડ્રાઈવરે મહિલાનો ઘરે સુધી પીછો કરીને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

દિલ્હી એરપોર્ટથી ગુડગાંવ જતી વખતે એક સોફ્ટવેર એન્જિનિયર અને એઆઈ પ્રોફેશનલ મહિલા સાથે જે થયું તે જાણીને તમારા પણ રુંવાડા ઊભા થઈ જશે. સવારે આશરે 4:45 વાગ્યે એરપોર્ટથી ઊબર કેબ બુક કરીને નીકળેલી મહિલાને એપમાં ભાડું માત્ર 625 રૂપિયા બતાવવામાં આવ્યું હતું, પરંતુ રાઈડ પૂરી થયા બાદ ડ્રાઈવર જમીલ જાહિદ ખાને રેપિડો એપના સ્ક્રીનશોટનું બહાનુ ધરીને 1479 રૂપિયા ચૂકવવાની જીદ પકડી હતી. જ્યારે મહિલાએ સ્પષ્ટ ના પાડી અને માત્ર ઊબર એપ પર દેખાતા 625 રૂપિયા જ ચૂકવ્યા, ત્યારે મામલો એટલો બગડ્યો કે ડ્રાઈવરે હદ વટાવી દીધી હતી.

ભાડાની રકમ પૂરી ન મળતા ડ્રાઈવરે ગાડીના દરવાજા લોક કરી દીધા અને મહિલાનો સામાન આપવાની ના પાડી દીધી હતી. જ્યારે મહિલાએ પોતાનો સામાન લેવાની કોશિશ કરી, ત્યારે ડ્રાઈવરે તેનો હાથ પકડી લીધો અને ગાડીની બારી બંધ કરી દીધી હતી. કોઈક રીતે સામાન છીનવીને મહિલા જ્યારે પોતાના ઘરના ગેટે પહોંચી, ત્યારે ડ્રાઈવરે તેનો પીછો કર્યો હતો. ડ્રાઈવરે ઘરનું ગેટ કૂદાવવાની કોશિશ કરી, ગાળાાગાળી કરી અને મહિલાને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ભયાનક અનુભવ બાદ જ્યારે મહિલાએ કટોકટીમાં ઊબર કંપનીના સેફ્ટી સપોર્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે પણ કામ ન આવ્યું હોવાની તેણે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી.

આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આ કેસની ગંભીરતાથી નોટિસ લીધી છે અને મહિલાનો સંપર્ક કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકોની નારાજગી વધતા ઊબર કંપનીએ પણ તાત્કાલિક એક્શન લીધા છે. કંપનીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે આવા ગુંડાગર્દી જેવા વર્તનને અમારી પ્લેટફોર્મ પર કોઈ સ્થાન નથી, અને આરોપી ડ્રાઈવરને હંમેશા માટે ઊબર એપ પરથી બ્લોક કરી દેવામાં આવ્યો છે તેમજ પોલીસ તપાસમાં પૂરો સહકાર આપવામાં આવશે.

LATEST ARTICLES