ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે હાલમાં રાજ્યભરમાંથી આવેલા વન રક્ષક કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને પોતાની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓને લઈને ધરણાં પ્રદર્શન શરૂ કર્યું છે. જંગલોની અંદર અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં ફરજ બજાવતા આ કર્મચારીઓ પોતાના હક માટે હવે મેદાને આવ્યા છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા તેમની વર્ષો જૂની સમસ્યાઓ તરફ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું, જેને કારણે તેમને ગાંધીનગર આવીને વિરોધ કરવાનો વારો આવ્યો છે.
આ આંદોલન દરમિયાન કર્મચારીઓએ મુખ્યત્વે ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટર વચ્ચે રહેલી ગ્રેડ પે ની વિસંગતતાને વહેલી તકે દૂર કરવાની માંગ કરી છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં કામ કરવા બદલ વિશેષ જોખમ ભથ્થું આપવા અને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થા મુજબ જ રજા પગારની ગણતરી થાય તેવી જોરદાર માંગ ઉઠાવી છે. વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવતા કર્મચારીઓએ બંધ કરાયેલી ફોરેસ્ટર અને આરએફઓ ની જગ્યાઓ ફરી શરૂ કરવાની સાથે સીધી ભરતીની પ્રક્રિયા બંધ કરી ખાતાના અનુભવી કર્મચારીઓને જ પ્રમોશનમાં પ્રાધાન્ય આપવાની સ્પષ્ટ વાત કરી છે.
અટવાયેલી બદલીઓની અરજીઓનો કાયમી ધોરણે નિકાલ લાવવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણી પર બેઠેલા આ કર્મચારીઓ હાલ તો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. પરંતુ તેમણે સરકારને સ્પષ્ટ ચેતવણી પણ આપી દીધી છે કે જ્યાં સુધી તેમના તમામ પડતર પ્રશ્નો અને આર્થિક તથા સેવાકીય માંગણીઓ અંગે કોઈ સંતોષકારક નિર્ણય નહીં આવે, ત્યાં સુધી તેમની આ લડત આવી જ રીતે ચાલુ રહેશે. વન રક્ષકોના આ ઉગ્ર મિજાજને જોતા હવે આગામી દિવસોમાં વહીવટી સ્તરે આ મુદ્દે શું નિર્ણયો લેવાય છે તેના પર સૌની નજર રહેશે.
