લંડનના કોવેન્ટ ગાર્ડનમાં આવેલું આશરે 300 વર્ષ જૂનું એક ઐતિહાસિક મકાન અત્યારે પ્રોપર્ટી માર્કેટમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. લંડનની મહાભીષણ આગ બાદ આશરે 1700ની આસપાસ બનેલી આ ગલી હેરી પોટરની પ્રખ્યાત ફિલ્મોમાં આવતી જાદુઈ ગલી ડાયાગન એલી માટે પ્રેરણારૂપ બની હોવાનું માનવામાં આવે છે. આ સાંકડી અને પથ્થરજડીત ગલીમાં રોજ હેરી પોટરના ફેન્સ એટલે કે પોટરહેડ્સની ભીડ જામે છે અને થીમ્ડ વોકિંગ ટૂર યોજાય છે. જો કે આ મકાનનું જાદુઈ ફિલ્મો સાથેનું જોડાણ સત્તાવાર રીતે સમર્થન પામ્યું નથી, પરંતુ તેની જૂના જમાનાની સ્ટાઇલ અને વાતાવરણ લોકોને મંત્રમુગ્ધ કરવા માટે કાફી છે.
મૂળ આ મકાનની કિંમત 2 મિલિયન પાઉન્ડ રાખવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને માર્કેટમાંથી હટાવીને ગત મહિને ફરીથી 1,595,000 પાઉન્ડની ઘટેલી કિંમતે લિસ્ટ કરવામાં આવ્યું છે. આ 2 બેડરૂમવાળા મકાનને યુનિક પ્રોપર્ટી કંપની દ્વારા લિસ્ટ કરવામાં આવ્યું છે અને રિ-લિસ્ટીંગ બાદ ખાસ કરીને યુએસના ખરીદદારો તરફથી તેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. મકાનના મુખ્ય દરવાજાની બહાર ગેસ લેમ્પ લાગેલો છે અને દરવાજા નીચે 4 ઘસાયેલા પથ્થરના પગથિયાં છે, જે મિડીયલ યુગના હોવાનું અનુમાન છે. આ મકાન એક સમયે કપડાં અને દરજીની ચીજવસ્તુઓ વેચવાની દુકાન તરીકે પણ ઉપયોગમાં લેવાતું હતું.
આ ઐતિહાસિક મકાનની અંદર જ્યોર્જિયન યુગની ઝાંખી કરાવતી ઘણી ચીજો હજુ પણ સુરક્ષિત છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પરનું આકર્ષક બો વિન્ડો અને ફ્લોરબોર્ડ્સ પરના ચિહ્નો સામેલ છે જે દુકાનદારની યાદ અપાવે છે. પ્રોપર્ટીના જાણકારોના મતે, આ મકાન લંડનમાં ભાગ્યે જ જોવા મળતી કિંમતી ધરોહર છે જેમાં ઇતિહાસને મિટાવવાને બદલે તેને સાચવવામાં આવ્યો છે. લંડનની ભાગદોડ ભરેલી જીંદગીથી માત્ર 5 સેકન્ડના અંતરે આવેલા આ શાંત અને રમતિયાળ વાતાવરણવાળા ઘરમાં રહેવું એ સમયમાં પાછા જવા જેવો અહેસાસ કરાવે છે. હેરી પોટરના ઇતિહાસ સાથે જોડાયેલા આ અદભુત મકાનને ખરીદવા માટે હવે રસ ધરાવતા લોકો આગળ આવી રહ્યા છે.
