JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

કેન્સરને હરાવનાર યુએસના એથ્લીટ ટાઇલર એન્ડ્રુઝે એવરેસ્ટ ટ્રેલ પર બનાવ્યો નવો રેકોર્ડ

Oct 28, 2026 | 06:35 | By JAMNAGAR MIRROR
કેન્સરને હરાવનાર યુએસના એથ્લીટ ટાઇલર એન્ડ્રુઝે એવરેસ્ટ ટ્રેલ પર બનાવ્યો નવો રેકોર્ડ
એવરેસ્ટ સ્પીડ રેકોર્ડ બનાવ્યાના માત્ર 5 મહિના બાદ યુએસના 36 વર્ષીય એન્ડ્રુઝે વધુ એક કમાલ કરી છે. તેણે એવરેસ્ટ બેઝ કેમ્પથી લુક્લા સુધીનું 54.4 કિમીનું અંતર માત્ર 7 કલાક અને 43 મિનિટમાં દોડીને પૂરું કર્યું અને જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.

એવરેસ્ટ સર કર્યાના માત્ર 5 મહિના પછી, યુએસના એન્ડ્યુરન્સ એથ્લીટ અને કેન્સર સર્વાઇવર ટાઇલર એન્ડ્રુઝે હાઇ-એલ્ટિટ્યુડ રનિંગમાં વધુ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મંગળવારે 36 વર્ષીય એન્ડ્રુઝે એવરેસ્ટ બેઝ કેમ્પથી લુક્લા સુધીના 54.4 કિમીના અઘરા ટ્રેઇલને માત્ર 7 કલાક અને 43 મિનિટમાં પાર કરી ઇતિહાસ રચ્યો છે. આ અગાઉ ડિસેમ્બર 2023માં ડેવિડ બાયર્ન અને મજેલ બેકહાઉસેન દ્વારા આ અંતર 9 કલાક, 47 મિનિટ અને 59 સેકન્ડમાં પૂરું કરવામાં આવ્યું હતું, જેને એન્ડ્રુઝે 2 કલાકથી વધુના મોટા માર્જિનથી તોડી નાખ્યું છે.

મંગળવારે સવારે 7.45 વાગ્યે એવરેસ્ટ બેઝ કેમ્પથી પોતાની દોડ શરૂ કરનાર એન્ડ્રુઝે સવારે નામચે બજારથી ગોરાક્ષેપ હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા બાદ બેઝ કેમ્પથી આ પ્રયાસ શરૂ કર્યો હતો. આ રૂટ પર અંદાજે 3000 મીટરનું એલિવેશન લોસ અને અનેક ચડાણ આવે છે, જે સામાન્ય રીતે ટ્રેકર્સને પૂરું કરવામાં 3 થી 4 દિવસનો સમય લે છે. આ રસ્તો ફેરીચે, તેંગબોચે, નામચે બજાર અને ફાકડીંગ જેવા વિસ્તારોમાંથી પસાર થઈને લુક્લામાં પૂરો થાય છે, જ્યાંનું એરપોર્ટ એવરેસ્ટ ટ્રેકર્સ માટે મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. તેમના એક્સપિડિશન ઓર્ગેનાઇઝરના જણાવ્યા અનુસાર, સેટેલાઇટ નેવિગેશન ટ્રેકર દ્વારા સવારે 8.50 વાગ્યે લોબુચે અને 9.40 વાગ્યે ફેરીચે તેમજ બપોરે 12.41 વાગ્યે નામચે બજાર પસાર કર્યા બાદ તેમણે લુક્લા સુધીની આફતરૂપ સફર પૂરી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં જ એન્ડ્રુઝે બેઝ કેમ્પથી એવરેસ્ટ માત્ર 9 કલાક, 55 મિનિટ અને 43 સેકન્ડમાં સર કરીને 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. મંગળવારની આ સફળ દોડ સાથે હવે એન્ડ્રુઝના નામે લુક્લા-બેઝ કેમ્પ અને બેઝ કેમ્પ-એવરેસ્ટ સમિટ બંને દિશામાં સ્પીડ રેકોર્ડ નોંધાઈ ગયા છે, જેમાં તેણે સમિટ રેકોર્ડ માટે સપ્લીમેન્ટરી ઓક્સિજનનો ઉપયોગ કર્યો હતો. કેન્સર જેવી ગંભીર બીમારી સામે જંગ જીતી ચૂકેલા ટાઇલર એન્ડ્રુઝની આ સિદ્ધિ દુનિયાભરના સ્પોર્ટ્સપ્રેમીઓ માટે ભારે પ્રેરણારૂપ બની રહી છે.

LATEST ARTICLES