મુંબઈમાં યોજાયેલી એક બીએફએસઆઈ ઈવેન્ટ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તાએ ભારતીય અર્થવ્યવસ્થાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જો આખી દુનિયામાં અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓ ન સર્જાઈ હોત અને બહારના આંચકા ન લાગ્યા હોત, તો ભારતનો ગ્રોથ રેટ પહેલેથી જ 8 ટકાએ પહોંચી ગયો હોત. વૈશ્વિક અનિશ્ચિતતા છતાં દેશની અર્થવ્યવસ્થા મજબૂત રીતે ઊભી છે જે સિસ્ટમ મજબૂત કરવાના વર્ષોના કામને આભારી છે.
પૂનમ ગુપ્તાએ જણાવ્યું હતું કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પબ્લિક સર્વિસમાં પારદર્શિતા, મેન્યુફેક્ચરિંગ અને ગવર્નન્સમાં થયેલા સુધારાઓથી આપણી અર્થવ્યવસ્થાની બહારના આંચકા સામે લડવાની ક્ષમતા વધી છે. ભારતનો હવે મુખ્ય પડકાર આ પ્રગતિને જાળવી રાખવાનો છે અને ગ્રોથ રેટને 7 ટકાથી વધારીને 8 ટકા કે તેથી વધુ પર લઈ જવાનો છે.
જો આગામી 1 વર્ષમાં વૈશ્વિક પરિસ્થિતિઓ સુધરે છે, તો તેનાથી જ દેશને 50 બેસિસ પોઈન્ટથી લઈને 1 ટકા સુધીનો વધારાનો ગ્રોથ મળી શકે છે. રાજ્ય સરકારોને પણ ગ્રોથમાં મહત્વના ભાગીદાર બનાવવામાં આવ્યા છે, જેના કારણે ભારત વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ મજબૂતીથી આગળ વધી રહ્યું છે.
