મહીસાગર જિલ્લા આચાર્ય સંઘ દ્વારા તાજેતરમાં સાપુતારા ખાતે એક ભવ્ય શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભરતભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશન દરમિયાન રાજ્યભરની શાળાઓના ઉત્કૃષ્ટ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં લુણાવાડા તાલુકાના લાડવેલ ગામે આવેલી શ્રોયસ એજ્યુકેશન મંડળ સંચાલિત મોંઘીબા ગાયત્રી વિદ્યાલયે બાજી મારી હતી.
આ શાળાની વર્ષ 2023-24 દરમિયાનની શૈક્ષણિક ગુણવત્તા, ઉત્કૃષ્ટ વહીવટ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં રહેલા નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મુકેશકુમાર પટેલના કુશળ માર્ગદર્શન અને પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ સમગ્ર શાળા પરિવારે આ મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. ઉત્સાહી શિક્ષકો અને મહેનતુ વિદ્યાર્થીઓની જોડીએ શાળાનું નામ સમગ્ર જિલ્લામાં રોશન કર્યું છે.
આ શાનદાર સફળતા બદલ ગુજરાત સરકાર તરફથી શાળાને સન્માનિત કરવામાં આવી છે. સરકાર દ્વારા આ વિદ્યાલયને ખાસ પ્રમાણપત્ર અને 1 લાખ રૂપિયાનો પ્રોત્સાહક પુરસ્કાર એનાયત કરાયો છે. આ પ્રકારના સન્માનથી ગ્રામ્ય વિસ્તારની અન્ય શાળાઓને પણ ઉત્તમ શિક્ષણ અને વહીવટ પૂરો પાડવાની પ્રેરણા મળશે તેમજ વિદ્યાર્થીઓનો પણ ઉત્સાહ વધશે.
