દાહોદ જિલ્લાના લીમખેડા વિધાનસભા મતવિસ્તારમાં કાયાપલટ કરવા માટે વિકાસકાર્યોનો ધમધમાટ શરૂ થયો છે. મંગળવારે તા.27ના રોજ લીમખેડા તાલુકામાં માર્ગ વિકાસને વેગ આપવા માટે વિવિધ રસ્તાઓના નવીનીકરણ, રીસરફેસિંગ અને નવા બ્રિજના કામોના ખાતમુહૂર્તનો એક ખાસ પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોરની વિશેષ ઉપસ્થિતિમાં આ તમામ વિકાસકાર્યોનો શુભારંભ કરાયો હતો, જેને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ આખો દિવસ ચાલેલા પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સવારથી જ ખાતમુહૂર્તનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. જેમાં સવારે દાંતીયા હાઈવેથી બાજીપુરા ફ્ળિયા રોડના નવા ડામરકામ, જેસાવાડા-ચીલાકોટા રોડ પર નવા બ્રિજ અને રીસરફેસિંગ તેમજ ચીલાકોટા ડાંગી ફ્ળિયા રોડના કામો ખાતમુહૂર્ત હેઠળ આવરી લેવાયા હતા. ત્યારબાદ બપોરના સત્રમાં કથોલિયા ખામણીયા ફ્ળિયા સી.સી. રોડ, કંબોઈ પોલીસમથકથી નિશાળ ફ્ળિયા રોડ, ખીરખાઈ દેવધી હાઈસ્કૂલથી દેવધા ડુંગર ફ્ળિયા રોડ અને ખીરખાઈ બી.ટી. રોડથી કુણધા તેમજ હરિપુરા સ્કૂલ રોડના રીસરફેસિંગના કાર્યો શરૂ કરાયા હતા. આ ઉપરાંત, સાંજના સમયે મંગલ મહુડી-ખીરખાઈ-નિનામાના ખામરીયા-અગારા રોડ પર નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને નિનામાના ખામરીયા ખાતે એક ભવ્ય જાહેર સભા પણ યોજાઈ હતી.
આ તમામ વિકાસકાર્યો પૂર્ણ થવાથી લીમખેડા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં વાહનવ્યવહાર અત્યંત સુગમ બની જશે. ખરાબ રસ્તાઓની સમસ્યા હલ થવાથી વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને સામાન્ય નાગરિકોને અવરજવરમાં મોટી રાહત મળશે અને સ્થાનિક વેપાર-રોજગાર તથા આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોરની સાથે લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ નરવતભાઈ ડાંગી, વિવિધ તાલુકા અને જિલ્લા સભ્યો, સરપંચો તેમજ મોટીસંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
