JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

મહીસાગરમાં સુરક્ષાનું અનોખું અભિયાન, મારું ગામ સુરક્ષિત ગામ અંતર્ગત ગામડાઓમાં લાગશે CCTV

Oct 28, 2026 | 06:05 | By JAMNAGAR MIRROR
મહીસાગરમાં સુરક્ષાનું અનોખું અભિયાન, મારું ગામ સુરક્ષિત ગામ અંતર્ગત ગામડાઓમાં લાગશે CCTV
મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત કરવા જિલ્લા પોલીસ દ્વારા મારું ગામ સુરક્ષિત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. S.P. સફીન હસનના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ પહેલમાં સ્વેચ્છાએ CCTV કેમેરા લગાવનાર સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું અને બાળકોની સુરક્ષા માટે POCSO એક્ટ અંગે જાગૃતિના પોસ્ટર પણ અનાવરણ કરાયા હતા.

મહીસાગર જિલ્લામાં ગ્રામીણ સ્તરે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક શાનદાર પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક (S.P.) સફીન હસનના અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મારું ગામ સુરક્ષિત ગામ અભિયાનનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગામડાઓને અતિસંવેદનશીલ સ્થળોએથી સુરક્ષિત બનાવવાનો છે અને ગુનાખોરી પર લગામ કસવાનો છે, જેથી ગામડાઓમાં પણ શહેર જેવી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી શકાય.

આ અભિયાન અંતર્ગત પોતાના ગામને સુરક્ષિત રાખવા માટે સ્વેચ્છાએ CCTV કેમેરા લગાવનાર ઉત્સાહી ગામના સરપંચઓનું S.P. સફીન હસન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના તમામ સરપંચોને વ્યક્તિગત પત્ર લખીને ગામોમાં CCTV કેમેરા લગાવીને મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવા માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કાકચીયા ગામના સરપંચ ટીનાભાઈ પટેલ તથા વરધરી ગામના સરપંચ રાકેશ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને આ અભિયાનને ટેકો જાહેર કર્યો હતો.

આ કાર્યક્રમમાં માત્ર ગામની સુરક્ષા જ નહીં પરંતુ બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા POCSO એક્ટ વિશે ગામે-ગામે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ પોસ્ટરોનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકે ગ્રામીણ સ્તરે પોલીસ અને પ્રજા વચ્ચેના પરસ્પર સહયોગથી ગુનાખોરી ડામવા પર ભાર મૂક્યો હતો. આવી પહેલથી આવનારા સમયમાં ગામડાઓમાં અપરાધોનું પ્રમાણ ઘટશે અને નાગરિકો વધુ નિર્ભય બનીને પોતાની દિનચર્યા વિતાવી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

LATEST ARTICLES