મુંબઈથી સામે આવેલા રિટેલ માર્કેટના આંકડા મુજબ આપણા દેશની અંદરની લોકલ કિરાણા સ્ટોર્સનું આખું ગણિત બદલાઈ રહ્યું છે. અત્યાર સુધી બજાર પર એકચક્રી શાસન ચલાવતી મોટી અને સ્થાપિત FMCG કંપનીઓને નવી જનરેશનની કન્ઝ્યુમર બ્રાન્ડ્સ તરફથી જોરદાર ટક્કર મળી રહી છે. આ નવી બ્રાન્ડ્સ માત્ર ઓનલાઈન પ્લેટફોર્મ પૂરતી મર્યાદિત ન રહેતા હવે સીધી સામાન્ય કરિયાણાની દુકાનોના શેલ્ફ પર ગોઠવાઈ ગઈ છે, જેના કારણે ગ્રાહકોની ખરીદી કરવાની ટેવ અને પસંદગી બંનેમાં સ્પષ્ટ ફરક જોવા મળી રહ્યો છે.
રિટેલ પ્લેટફોર્મ બિઝોમના ડેટા પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2027ના પહેલા જ અર્ધવાર્ષિક ગાળામાં નવી બ્રાન્ડ્સનો માર્કેટ શેર વધીને 21.7% પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષે માત્ર 14.8% હતો. આની સામે જૂની અને દિગ્ગજ કંપનીઓનો બજાર હિસ્સો 85.2% થી ઘટીને 78.3% પર આવી ગયો છે. ખાસ કરીને સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન અર્બન અને રૂરલ માર્કેટમાં આ નવી કંપનીઓએ પોતાના પગપેસારે જોર પકડ્યું છે. ઝાયડસ વેલનેસના ચીફ એક્ઝિક્યુટિવ તરુણ અરોરાનું માનવું છે કે બદલાતા સમય સાથે ગ્રાહકોની પસંદ બદલાતી હોવાથી હવે જૂની કંપનીઓએ ફક્ત જૂના રેકોર્ડ કે સ્ટ્રેટેજી પર ભરોસો રાખવાને બદલે નવું વિચારવું પડશે.
આજે ગ્રાહકો માત્ર સાદી પ્રોડક્ટ્સ ખરીદવાને બદલે સાયન્સ બેઝ્ડ, પર્ફોર્મન્સ ઓરિએન્ટેડ અને ક્લિનિકલ એપ્રોચવાળી પ્રોડક્ટ્સ વધારે પસંદ કરી રહ્યા છે. જોકે પ્લમ ગુડનેસના CEO શંકર પ્રસાદ અને નિષ્ણાતોનું એમ પણ કહેવું છે કે દુકાનોમાં પ્રોડક્ટ્સ મુકાવી દેવી સહેલી છે, પરંતુ આટલી મોટી ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને લાંબા સમય સુધી ટકાવી રાખવું એ આ નવી બ્રાન્ડ્સ માટે સૌથી મોટો પડકાર છે. મિનિમલિસ્ટ, ઓઝિવા, બિયર્ડોર્ડ, યોગા બાર જેવી ઘણી બ્રાન્ડ્સ હવે લોકલ માર્કેટમાં પક્ડ જમાવી રહી છે, અને જો દિગ્ગજ કંપનીઓ દ્વારા હસ્તગત કરાયેલી બ્રાન્ડ્સને પણ આમાં ઉમેરવામાં આવે તો આ આંકડો હજુ ઘણો મોટો હોઈ શકે છે.
