મા શક્તિની આરાધના અને કૃષ્ણ ભક્તિના પાવન પર્વ શરદ પૂનમની ભરૂચમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ દ્વારા ખાસ બ્રાહ્મણો માટે દાંડિયાબજાર ખાતે આવેલા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત ભૃગુઋષિ મંદિર (શનિમંદિર) આ રઢીયાળી રાતનું આયોજન કરવામાં આવ્યું હતું. શરદ પૂનમની આ ખાસ રાતે ભરૂચના આંગણે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં સમાજના લોકોએ એકસાથે મળીને આ ઉત્સવને યાદગાર બનાવ્યો હતો.
આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન ભવ્ય મહાઆરતી તેમજ ખાસ આરતી સજાવટ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૦ થી વધુ ભૂદેવોએ ઉત્સાહભેર ભાગ લઈને રાસ-ગરબાની રમઝટ માણી હતી અને સામુહિક એકતાનો અદ્ભુત પરિચય આપ્યો હતો. આરતી સજાવટ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકોને ઉપસ્થિત અતિથિ વિશેષોના હસ્તે ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં ક્રિષ્નાબેન વ્યાસે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી તથા બ્રહ્મ સોશિયલ ગૃપના પ્રમુખ યોગેશ જોષી, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે અને કર્મકાંડી બ્રહ્મ અગ્રણી ગીરીશભાઈ શુકલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ આનંદોત્સવની સાથેસાથે સંગઠનને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી. ગત વર્ષના ઉત્સાહ અને સફળ આયોજનોને ધ્યાનમાં રાખીને, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુકલ અને મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિતની સમગ્ર ટીમની આગામી ૩ વર્ષ માટે પુનઃ નિયુક્તિ કરવાની જાહેરાત અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી. આ જાહેરાતથી ઉપસ્થિત તમામ સભ્યોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને સૌએ નવી ટીમને આવકારી હતી.
