નવી દિલ્હીમાં મળેલા બ્રિક્સ પાર્લિયામેન્ટરી ફોરમમાં મંગળવારે એક મહત્વપૂર્ણ સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું, જેમાં વેસ્ટ એશિયામાં ચાલી રહેલા ગંભીર સંઘર્ષ અને તણાવને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી બ્રિક્સ લિડર્સ સમિટની સહમતિના આધારે તૈયાર થયેલા આ ડિક્લેરેશનની જાહેરાત લોકસભા સ્પીકર ઓમ બિરલા દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકની ખાસ વાત એ રહી કે તેમાં ઈરાન અને યુએઈ જેવા દેશોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ ઘોષણાપત્રમાં નાગરિકો અને મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના જાણી જોઈને કરાયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. નિવેદનમાં સ્પષ્ટ કહેવાયું છે કે ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લૉનું ઉલ્લંઘન કરીને હ્યુમેનિટેરિયન સહાયને અટકાવવી કે રાહતકર્મીઓને નિશાન બનાવવા અસ્વીકાર્ય છે. આ સાથે જ પહલગામમાં થયેલા ટેરર અટેકને પણ સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે અને આતંકવાદનો સામનો કરવા માટે દુનિયાએ કોઈ પણ પ્રકારના બેવડા ધોરણો રાખવા જોઈએ નહીં તેવો મજબૂત સુર ઉચ્ચારવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપવા માટે ફોરમ દ્વારા ડાયલોગ અને ડિપ્લોમસી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વેસ્ટ એશિયામાં લાંબા ગાળાની શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી શકાય. આ સંકટની વચ્ચે ગ્લોબલ ટ્રેડ, સપ્લાય ચેઇન અને એનર્જીનો પ્રવાહ અવરોધ વિના ચાલુ રહે તે માટે તમામ દેશોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ બેઠક દ્વારા વૈશ્વિક સ્તરે શાંતિ અને સહયોગનો એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
