JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ખંભાતમાં વિકાસના નામે ભોપાળું, રેલવે ફાટકથી આકૃતિ ટાઉનશિપ સુધીનો રસ્તો બન્યો આફતરૂપ

Oct 28, 2026 | 05:35 | By JAMNAGAR MIRROR
ખંભાતમાં વિકાસના નામે ભોપાળું, રેલવે ફાટકથી આકૃતિ ટાઉનશિપ સુધીનો રસ્તો બન્યો આફતરૂપ
ખંભાતમાં રેલવે ફાટકથી આકૃતિ ટાઉનશિપ તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડા અને ગટરના ગંદા પાણી ઉભરાવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખંભાત શહેરમાં અત્યારે વિકાસના દાવાઓની પોલ ખોલતી એક ગંભીર સમસ્યા સામે આવી છે. શહેરના રેલવે ફાટકથી આકૃતિ ટાઉનશિપ તરફ જતા માર્ગની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. આ રસ્તા પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે અને ગટરના ગંદા પાણી રસ્તા પર ખુલ્લેઆમ ઉભરાઈ રહ્યા છે. આ દુર્ગંધયુક્ત પાણી વચ્ચેથી પસાર થવા માટે સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, આ ખરાબ માર્ગના કારણે અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો સર્જાયા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

શહેરીજનો પાસેથી પાલિકા દ્વારા તગડો ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ પાયાની સુવિધાઓ આપવામાં શાસકો પૂરેપૂરા સાબિત થયા છે. ખોબલે-ખોબલે મત આપીને નેતાઓને જીતાડનાર જનતાના ભાગે માત્ર યાતનાઓ જ આવી છે. રોકેટગતિએ વિકાસ કરવાના બણગાં ફૂંકનારા નેતાઓ અને એસી ઓફિસમાં બેસીને કાગળ પર વિકાસના ઘોડા દોડાવતા અધિકારીઓ સામે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ માર્ગ પરથી દરરોજ અનેક વિદ્યાર્થીઓ અને ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓ પણ અવરજવર કરે છે, જેમને આ ગંદકી અને ખાડાઓના કારણે મુશ્કેલી વેઠવી પડે છે.

આ માર્ગ પર અનેક સ્થળોએ ગટરના ઢાંકણાં પણ ખુલ્લાં છે, જે રાત્રિના સમયે વાહનચાલકો માટે મોતનું આમંત્રણ બની શકે છે. વિકાસના મોટા દાવાઓ કરતી પાલિકા જો જમીની વાસ્તવિકતા તપાસવા બહાર ન નીકળે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે. સ્થાનિક રહીશોની સ્પષ્ટ માંગ છે કે આ જોખમી રસ્તાની મરામત કરવામાં આવે અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના ટળી શકે.

LATEST ARTICLES