JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

બાયડના માઝુમ જળાશયની કેનાલો સાફ ન થતા ખેડૂતો રોષે ભરાયા, પાણી ન મળવાની આશંકા

Oct 28, 2026 | 05:30 | By JAMNAGAR MIRROR
બાયડના માઝુમ જળાશયની કેનાલો સાફ ન થતા ખેડૂતો રોષે ભરાયા, પાણી ન મળવાની આશંકા
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં ઓછા વરસાદ વચ્ચે માઝુમ જળાશયની કેનાલોની સફાઇ ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મંડળી દ્વારા ત્રણ વખત લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ધરતીપુત્રોમાં રોષ ફેલાયો છે.

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની વરસોડા સાવ ઓછી રહેતા પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, ત્યારે બાયડ પંથકના ખેડૂતો પર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. ધનસુરા તાલુકાની શીકાકંપા ખેડૂત ઉદવહન પિયત સહકારી મંડળીના ખેડૂતોનું કહેવું છે કે માઝુમ જળાશયમાંથી સમયસર પાણી મળી રહે તે માટે અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં કેનાલોની સાફસફાઇ કરવામાં આવી નથી. હાલમાં તળાવો અને કૂવાઓમાં પાણીનું તળ નીચું જતું રહ્યું છે અને જો સમયસર કેનાલનું પાણી ન મળે તો ખેડૂતોની મહેનત અને પાક પાણી વગર બરબાદ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, મંડળી દ્વારા ગત તા. 12-08-2026, તા. 8-9-2026 અને તા. 8-10-2026ના રોજ માઝુમ જળાશય યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં આવેદનપત્ર આપીને કેનાલો વહેલી તકે સાફ કરવાની માંગ કરવામાં આવી હતી. આ વિસ્તારના આશરે 250થી 300 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી સહિતનો પાક વાવ્યો છે. ખેડૂતો મોંઘા બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ અને મજૂરી પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે ડેમમાં હાલ ખરીફ અને રવિ વાવેતર માટે પૂરતો પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે અને જરૂર પડે તો નર્મદાની લાઇનથી પણ પાણી ભરી શકાય તેમ છે, તેમ છતાં તંત્રની બેદરકારી નડી રહી છે.

નિયમિતપણે કેનાલ દ્વારા ખેતી કરતા અને સિંચાઈ વિભાગમાં સમયસર 100 ટકા પિયાવો ભરપાઈ કરતા આ ખેડૂતો હવે આરપારના મૂડમાં છે. ડેમમાં પાણી હોવા છતાં કેનાલના અભાવે પિયત ન મળવાથી પાકનું ઉત્પાદન ઘટવાની પૂરેપૂરી આશંકા છે. આ મામલે જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલોની સફાઇ અને મરામતની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતોનું અન્નદાતા તરીકેનું અસ્તિત્વ જોખમાઈ શકે છે, જેથી વહેલી તકે ઉકેલ લાવવાની ઉગ્ર માંગ ઉઠી છે.

LATEST ARTICLES