અરવલ્લી જિલ્લામાં હાલમાં ખેડૂતો પોતાના ખેતરોમાંથી થ્રેસરની મદદથી મગફળીનો પાક બહાર કાઢવામાં વ્યસ્ત છે. આ વર્ષે ચોમાસા દરમિયાન અપૂરતો વરસાદ પડ્યો હોવા છતાં મગફળીનું જબરદસ્ત ઉત્પાદન જોવા મળ્યું છે અને માર્કેટયાર્ડોમાં પાકની બમ્પર આવક થઈ રહી છે. જિલ્લામાં કુલ 67000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું, જેને કારણે ખેડૂતોના ઘરે સારો પાક આવ્યો છે અને બજારમાં પણ તેની ભારે માગ નીકળી છે.
સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ 1 મણના રૂ.1503 નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતોને માર્કેટયાર્ડમાં તેના કરતા ઘણા સારા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં ખેડૂતોને સરેરાશ રૂ.1600 થી રૂ.1850 અને કેટલાક સારા માલના રૂ.2000 સુધીના ઊંચા ભાવ મળી રહ્યા છે. જોકે, અરવલ્લી જિલ્લામાંથી સરકારી ટેકાના ભાવે મગફળી વેચવા માટે તારીખ 24 ઓક્ટોબર સુધીમાં 9000 કરતા વધારે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ ઓપન માર્કેટમાં ફાયદો વધુ હોવાથી ચિત્ર બદલાયેલું છે.
ખેડૂતોનું કહેવું છે કે સરકારી ખરીદી કેન્દ્રો પર પ્રક્રિયા ઘણી ધીમી હોય છે અને કેન્દ્રો ઓછા હોવાને કારણે હાઇવે પર ટ્રેક્ટરોની લાંબી લાંબી કતારો લાગે છે. વળી, માવઠાની બીક અને ખરીદીની તારીખની સ્પષ્ટતા ન હોવાને કારણે ખેડૂતો સરકારી કેન્દ્રો પર ધસારો કરવાના બદલે સીધા માર્કેટયાર્ડમાં જ માલ વેચી રહ્યા છે. આ સ્થિતિ જોતા એવું લાગે છે કે ટેકાના ભાવની ખરીદી શરૂ થાય તે પહેલા જ મોટાભાગનો પાક યાર્ડોમાં વેચાઈ જશે.
