ઈઝરાઈલના લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા બેન્જામિન નેતન્યાહુના શાસનને જો કોઈ પડકારી શકતું હોય તો તે ગાડી આઈઝેનકોટ છે. સામાન્ય રીતે કાળા કપડાં પહેરતા અને ઈન્ટરવ્યુમાં પોઈન્ટ ટૂ પોઈન્ટ વાત કરતા 66 વર્ષીય આઈઝેનકોટ પોતાની આ સાદગી અને નોન-ગ્લેમરસ અંદાજને કારણે જ મતદારોમાં લોકપ્રિય બની રહ્યા છે. વર્ષ 2015 થી 2019 સુધી ઈઝરાઈલના મિલિટરી ચીફ ઓફ સ્ટાફ રહેલા આઈઝેનકોટે નેતન્યાહુના વિવાદાસ્પદ શાસન બાદ દેશવાસીઓને એક તાંતણે બાંધવા અને દેશની છબી સુધારવાનું વચન આપ્યું છે. વિશ્લેષકોના મતે, મધ્યમ વર્ગ હવે એવા નેતાને શોધી રહ્યો છે જે દેખાવમાં જવાબદાર અને ગંભીર હોય, જેમાં આઈઝેનકોટ બરાબર ફીટ બેસે છે.
મોરોક્કન યહૂદી પરિવારમાં જન્મેલા અને સામાન્ય પરિવારમાંથી આવતા ગાડી આઈઝેનકોટ ઈઝરાઈલના ઇતિહાસમાં પહેલા એવા વડાપ્રધાન બની શકે છે જે સેફર્ડિક બેકગ્રાઉન્ડ ધરાવે છે. ગાઝામાં યુદ્ધ દરમિયાન લડતા લડતા પોતાના પુત્ર ગાલા અને બે ભત્રીજા ગુમાવનાર આઈઝેનકોટ સાથે સામાન્ય પ્રજાની ઊંડી સહાનુભૂતિ જોડાયેલી છે. જોકે, મિલિટરી બેકગ્રાઉન્ડ ધરાવતા આઈઝેનકોટ કોઈ શાંતિદૂત નથી, તેમણે પેલેસ્ટિનિયન સ્ટેટનો વિરોધ કરીને નેતન્યાહુ કરતા પણ વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. વેસ્ટ બેંકમાં હિંસા ફેલાવતા ઉગ્રવાદી સેટલર્સ સામે કડક કાર્યવાહીની હિમાયત કરવાની સાથે તેમણે 18 મહિનામાં હમાસના શાસનો અંત લાવવાનો પણ દાવો કર્યો છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન આઈઝેનકોટે ન્યાયતંત્રની સ્વતંત્રતા, કાયદાનું શાસન, અલ્પસંખ્યકોના અધિકારો અને ફ્રી પ્રેસનું રક્ષણ કરવાના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. તેમણે ધાર્મિક વિદ્યાર્થીઓને મિલિટરી સર્વિસમાંથી અપાતી છૂટ નાબૂદ કરીને અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદીઓ અને આરબ નાગરિકો માટે યુનિવર્સલ નેશનલ સર્વિસ લાવવાનું વચન આપ્યું છે. પોલ્સમાં નેતન્યાહુને સીધી ટક્કર આપી રહેલા આઈઝેનકોટે મંગળવારની સામાન્ય ચૂંટણી પહેલા અનિશ્ચિત મતદારોને સીધી અપીલ કરી છે કે ઈઝરાઈલને હવે બદલાવની જરૂર છે અને દેશ આ રીતે આગળ વધી શકે નહીં.
