દેશમાં મહિલાઓ પર વધી રહેલા એસિડ એટ્ટેકની ઘટનાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને મોટો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે એસિડના હુમલાથી પીડિતો શારીરિક અને માનસિક રીતે આખી જિંદગી માટે પાયમાલ થઈ જાય છે, તેથી આવા કેસોને રોકવા માટે અટકાયતી પદ્ધતિઓ વધુ મજબૂત બનાવવાની તાકીદની જરૂર છે. કોર્ટે સવાલ કર્યો હતો કે ખુલ્લા બજારમાં એસિડનું વેચાણ શા માટે થવું જોઈએ અને તેના વેચાણને છૂટ આપવા પાછળ સરકારની શું મજબૂરી છે? આજના સમયમાં ઘરગથ્થુ ઉપયોગ માટે ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી એસિડની હવે કોઈ જરૂર નથી.
આ કેસની સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ અર્ચના પાઠક દવેએ કોર્ટને જણાવ્યું કે સરકારે અગાઉ જ માર્ગદર્શિકા તૈયાર કરીને તમામ રાજ્યોને અમલ કરવા મોકલી હતી, પરંતુ સામે આવ્યું છે કે રાજ્યો દ્વારા આ નિયમોના અમલીકરણમાં ઘણી બેદરકારી રાખવામાં આવી રહી છે. તેના પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે સ્પષ્ટ કહ્યું કે વધતા જતા એસિડ એટ્ટેક સાબિત કરે છે કે સરકારી માર્ગદર્શિકાઓ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. કોર્ટે સવાલ કર્યો કે શું કેન્દ્ર સરકારે ક્યારેય કોઈ રાજ્ય પાસે નિયમો લાગુ ન કરવા અંગે ખુલાસો માંગ્યો છે? જો નિયમોમાં કોઈ છીંડા હોય તો સરકારે તેમાં સુધારો કરીને તેને ફરીથી ઘડવા જોઈએ.
સુપ્રીમ કોર્ટની કડક નોંધ બાદ હવે એડિશનલ સોલિસિટર જનરલે કોર્ટને ખાતરી આપી છે કે સરકાર ઓપન માર્કેટમાં એસિડના નિયંત્રિત વેચાણ અને ભવિષ્યમાં આવા હુમલાઓને અટકાવવા માટે લેવાનાનાર પગલાં અંગેનું સોગંદનામું કોર્ટમાં રજૂ કરશે. કોર્ટના આ કડક રૂખથી હવે આગામી દિવસોમાં એસિડના વેચાણ પર કાયદાકીય શિખંજો વધુ કસાય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે, જેથી આવા અમાનવીય અપરાધો પર લગામ લગાવી શકાય.
