મંગળવારે નવી દિલ્હી ખાતે ‘ઇમર્જિંગ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન કોન્ક્લેવ’માં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વૈજ્ઞાનિકો અને રિસર્ચર્સને અવનવી ટેક્નોલોજી પર નિડર થઈને કામ કરવા માટે પ્રેરિત કર્યા હતા. AI ના આ યુગમાં ફાઈનાન્શિયલ નેટવર્ક્સ અને નેશનલ સિક્યોરિટી સામે ઊભા થઈ રહેલા સાયબર જોખમો વિશે વાત કરતા તેમણે દેશની સિસ્ટમને સુરક્ષિત કરવા માટે AI આધારિત અને ક્વોન્ટમ સિક્યોરિટી સોલ્યુશન્સ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે AI ભલે પ્રોડક્ટિવિટી વધારવામાં મદદરૂપ થાય, પરંતુ તેણે વૈજ્ઞાનિકોની સ્વતંત્ર વિચારસરણી મર્યાદિત ન કરવી જોઈએ, બલ્કે બચેલા સમયનો ઉપયોગ મોટા અને અઘરા પ્રશ્નો ઉકેલવા માટે કરવો જોઈએ.
સરકાર દ્વારા દેશની AI પૉલિસી માટે કન્સલ્ટેશન પેપર તૈયાર કરવામાં આવી રહ્યું છે અને AI ના બેકાબૂ થવાના ડર વચ્ચે તેને રેગ્યુલેટ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે PM મોદીનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે ‘વિકસિત ભારત’ના નિર્માણનો આધાર વૈજ્ઞાનિક સંશોધનો અને ઇનોવેશન પર હોવાનું જણાવીને દેશના રિસર્ચર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને સ્ટુડન્ટ્સને આગામી 3 વર્ષમાં કોઈ એવી ટેક્નોલોજી, પ્રોટોટાઈપ કે પ્રોડક્ટ વિકસાવવા માટેનો ટાર્ગેટ આપ્યો છે, જે ભારતને વૈશ્વિક સ્તરે સોલ્યુશન્સનું હબ બનાવી શકે.
આગામી સમયમાં ભારતે માત્ર ભાગ લેનાર નહીં પરંતુ ઇમર્જિંગ સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે દુનિયાનું નેતૃત્વ કરનાર પેઢી તૈયાર કરવી પડશે તેમ પણ PM મોદીએ જણાવ્યું હતું. ક્રિટિકલ ટેક્નોલોજી ક્ષેત્રે દેશની તાકાત વધારવા માટે તેમણે આહ્વાન કર્યું હતું, જેથી દેશ આધુનિક ટેક્નોલોજીના મામલે આત્મનિર્ભર બની શકે અને વૈશ્વિક સ્તરે માનવતાની સેવામાં યોગદાન આપી શકે.
