રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધને કારણે આખી દુનિયાના સમીકરણો બદલાયા છે, ત્યારે ભારતનું ડિફેન્સ સેક્ટર વૈશ્વિક સ્તરે મોટું પ્લેયર બનીને ઉભરી આવ્યું છે. યુરોપના દેશોમાં લશ્કરી જથ્થો ખાલી થઈ રહ્યો છે અને તેને ફરીથી ભરપાઈ કરવાની મોટી જરૂરિયાત ઊભી થઈ છે, આ સ્થિતિમાં ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એક્સપોર્ટની સોનેરી તક મળી છે. બ્લૂમબર્ગના ટ્રેડ ડેટા મુજબ યુરોપમાં ભારતનું હથિયારો અને દારૂગોળાનું એક્સપોર્ટ અદ્ભુત રીતે વધી ગયું છે અને ભારત આ મામલે દુનિયાના નકશા પર મજબૂતીથી આગળ વધી રહ્યું છે.
બ્લૂમબર્ગના આંકડાઓ પર નજર કરીએ તો, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેના આગળના 4 વર્ષમાં ભારતનું યુરોપિયન દેશોમાં હથિયારોનું એક્સપોર્ટ માત્ર 49.2 મિલિયન ડૉલર હતું, જે આક્રમણ પછીના 4 વર્ષમાં સીધું વધીને 872 મિલિયન ડૉલર એટલે કે 850 મિલિયન ડૉલરથી પણ વધુ થઈ ગયું છે. ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંઘના જણાવ્યા મુજબ, ભારત આજે યુરોપનું ત્રીજા નંબરનું સૌથી મોટું આર્મ્સ એક્સપોર્ટર બની ગયું છે. એટલું જ નહીં, સેન્ટ્રલ અને ઈસ્ટર્ન યુરોપના 13 દેશોને હથિયારો પૂરા પાડવામાં સાઉથ કોરિયા પછી ભારત બીજા નંબરનો સૌથી મોટો સપ્લાયર બન્યો છે. ફેબ્રુઆરી 2022માં રશિયાના હુમલા પછી યુરોપિયન દેશો પોતાની મિલિટરી તૈયારીઓ મજબૂત કરવા માટે આતુર છે અને આ જ કારણે આર્ટિલરી શેલ અને અન્ય દારૂગોળાની ડિમાન્ડ આસમાને પહોંચી છે.
યુરોપિયન યુનિયનની રી-આર્મ યુરોપ ઇનિશિએટિવ પહેલને કારણે ડિફેન્સ પાછળનો ખર્ચ અને પ્રોડક્શન ક્ષમતામાં ભારે વધારો થયો છે, જેનો સીધો ફાયદો ભારતની સરકારી અને પ્રાઇવેટ ડિફેન્સ કંપનીઓને મળી રહ્યો છે. ભારતના ઓલઓવર ડિફેન્સ એક્સપોર્ટની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2025-26માં દેશનું ડિફેન્સ એક્સપોર્ટ વધીને રેકોર્ડ 38,424 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે અગાઉના વર્ષમાં 23,622 કરોડ રૂપિયા હતું. હાલમાં ભારત દુનિયાના 80 કરતાં વધુ દેશોમાં પોતાના ડિફેન્સ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરી રહ્યું છે, જે દેશની મજબૂત ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને વધતા ગ્લોબલ નેટવર્કની સાક્ષી પૂરે છે.
