ઈઝરાયેલમાં હાલમાં ભારે રાજકીય અસ્થિરતા વચ્ચે 26મી કનેસેટ એટલે કે પાર્લામેન્ટના 120 સભ્યોને ચૂંટવા માટે મંગળવાર, 27 ઓક્ટોબરના રોજ મતદાન યોજાયું છે. લાંબા સમયથી સત્તા પર રહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે તેમના મુખ્ય હરીફ અને પૂર્વ આર્મી ચીફ ગેડી આઈઝેનકોટ તેમજ પૂર્વ પ્રીમિયર નફટાલી બેનેટ તરફથી ભારે ટક્કર મળી રહી છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલા અને ત્યારબાદ ફાટી નીકળેલા ક્ષેત્રીય યુદ્ધોના ઘા હજુ પણ તાજા છે, ત્યારે સુરક્ષા અને જવાબદારીના મુદ્દાઓ આ ચૂંટણીના કેન્દ્રમાં રહ્યા છે. 77 વર્ષીય નેતન્યાહુએ પોતાના પ્રચાર દરમિયાન યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો અને સુરક્ષાના મુદ્દાઓ પર સૌથી વધુ ભાર મૂકીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે.
ચૂંટણી પહેલાના સર્વે અને પોલ્સ અનુસાર, ઈઝરાયેલમાં હંગ પાર્લામેન્ટ એટલે કે ત્રિશંકુ સંસદ રચાય તેવી પૂરી શક્યતા છે કારણ કે કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળવાના એંધાણ નથી. પાર્લામેન્ટની કુલ 120 બેઠકોમાંથી સરકાર બનાવવા માટે કોઈપણ બ્લોકને ઓછામાં ઓછી 61 બેઠકોની જરૂર પડે છે. ચેનલ્સ 11, 12 અને 13 ના પોલ્સ મુજબ, નેતન્યાહુનો બ્લોક 50 બેઠકો જીતે તેવી શક્યતા છે, જ્યારે વિપક્ષી નેતા ગેડી આઈઝેનકોટના બ્લોકને 54 બેઠકો મળવાનો અંદાજ છે. મતદાન પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ એક્ઝિટ પોલ્સ સામે આવશે, જ્યારે સેન્ટ્રલ ઈલેક્શન્સ કમિટીની વેબસાઇટ પર લાઇવ પરિણામો જોવા મળશે અને વોટ ટેલીંગ બાદ સત્તાવાર અંતિમ પરિણામો 04 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
જો ચૂંટણી પરિણામોમાં કોઈ પક્ષ કે બ્લોક સ્પષ્ટ બહુમતી હાંસલ નહીં કરી શકે, તો નેતન્યાહુનું હાલનું વહીવટી તંત્ર કેર ટેકર ગવર્મેન્ટ તરીકે કામ ચાલુ રાખશે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ સમર્થન ધરાવતા ઉમેદવાર અન્ય પક્ષોના ટેકાથી માઇનોરિટી ગવર્મેન્ટ બનાવવાનો પ્રયાસ કરી શકે છે અથવા બે નેતાઓ વચ્ચે પાવર-શેરિંગ એગ્રીમેન્ટ કરીને વારાફરતી વડાપ્રધાન બનવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. જો આ તમામ ગઠબંધન અને વાતચીતો નિષ્ફળ જશે, તો ઈઝરાયેલના નાગરિકોએ ફરી એકવાર ચૂંટણીનો સામનો કરવો પડી શકે છે. હાલમાં દેશમાં ગાઝાથી લઈને લેબનોન અને ઈરાન સુધીના મોરચે ચાલી રહેલા સંઘર્ષોની મોટી અસર સામાન્ય જનજીવન અને રાજકારણ પર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે.
