JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

મુંબઈ એરપોર્ટ પર સર્વર ડાઉન થતા મુસાફરો પરેશાન, ફ્લાઇટ્સ પર અસર

Oct 27, 2026 | 23:05 | By JAMNAGAR MIRROR
મુંબઈ એરપોર્ટ પર સર્વર ડાઉન થતા મુસાફરો પરેશાન, ફ્લાઇટ્સ પર અસર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અચાનક નેટવર્ક ફેલ થવાથી અફરાતફરી મચી ગઈ હતી. ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ્સની ચેક-ઇન પ્રક્રિયા ખોરવાતા મુસાફરોને લગભગ 50 મિનિટ સુધી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે સાંજે અચાનક સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સાંજે અંદાજે 7:05 વાગ્યે એરપોર્ટના સર્વર અને નેટવર્કમાં ગરબડ થવાના કારણે ડિપાર્ચર હોલમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. આ અચાનક આવેલી સમસ્યાના કારણે ચેક-ઇન પ્રક્રિયા સંપૂર્ણપણે ધીમી પડી ગઈ હતી, જેના લીધે એરપોર્ટ પર હાજર સેંકડો મુસાફરો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને લાંબી લાઇનો જોવા મળી હતી.

આ નેટવર્ક પ્રોબ્લેમના કારણે મુખ્યત્વે એર ઇન્ડિયાની આશરે 11 અને ઇન્ડિગોની 3 જેટલી ઉડાણોની ચેક-ઇન પ્રક્રિયા પર સીધી અસર પડી હતી. સિસ્ટમ ડાઉન હોવાને કારણે બોર્ડિંગ ગેટ બદલવા પડ્યા હતા અને વિમાનના ક્રૂ મેમ્બર્સની અવરજવરમાં પણ વિલંબ થયો હતો. એટલું જ નહીં, બોર્ડિંગ દરમિયાન મુસાફરોના ટિકિટ સ્કેન કરતા મશીનોની સ્પીડ પણ ખૂબ ધીમી થઈ ગઈ હતી, છતાં એરપોર્ટ પર ચેક-ઇનનું કામ સંપૂર્ણપણે બંધ નહોતું થયું પરંતુ તે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એરપોર્ટની ટેકનિકલ ટીમો અને ઓથોરિટીએ ત્વરિત પગલાં લઈને પ્રોટોકોલ હેઠળ મેન્યુઅલ પદ્ધતિથી કામકાજ શરૂ કરી દીધું હતું જેથી મુસાફરોને વધુ હેરાનગતિ ન થાય. એરપોર્ટ સંચાલકોના જણાવ્યા મુજબ આ ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ્સના ઓવરઓલ સંચાલન પર કોઈ મોટી વ્યાપક અસર નથી પડી અને સમયસર ટીમો કામે લાગી જવાથી ટૂંક સમયમાં જ સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

LATEST ARTICLES