ટેકનોલોજીની દુનિયામાં એક મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં પ્રખ્યાત ફાઇનાન્સિયલ એપ ક્લિયો એઆઈના યૂઝર્સને લાખો-કરોડો રૂપિયાનું રિફંડ મળવા જઈ રહ્યું છે. યૂઝર્સને લોનની રકમ અને ઝડપ વિશે ગેરમાર્ગે દોરવાના તેમજ સબસ્ક્રિપ્શન કેન્સલ કરવામાં મુશ્કેલી ઊભી કરવાના મામલે યુએસ ફેડરલ ટ્રેડ કમિશને કડક વલણ અપનાવ્યું છે. રેગ્યુલેટર્સ દ્વારા કંપની સામે કેસ કરવામાં આવ્યા બાદ થયેલા સેટલમેન્ટના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે, જેનાથી લાખો સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.
આ આખી પ્રક્રિયા હેઠળ કુલ 2,124,796 ગ્રાહકોને કુલ 15.8 મિલિયન ડૉલરથી વધુની રકમ પરત કરવામાં આવશે. માર્ચ 2025માં દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આ એપ દ્વારા ગ્રાહકોને સેંકડો ડૉલરની ફાસ્ટ કેશ એડવાન્સની લાલચ આપવામાં આવતી હતી, પરંતુ વાસ્તવમાં કોઈને આટલી રકમ મળતી નહોતી. વળી, ઇન્સ્ટન્ટ કેશ એડવાન્સ માટે છુપી ફી વસૂલવામાં આવતી અને પૈસા બીજા દિવસે મળતા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. આ મામલે 2025માં 17 મિલિયન ડૉલરના સેટલમેન્ટ બાદ હવે ગ્રાહકોને પૈસા પરત આપવાની શરૂઆત થઈ રહી છે, જેમાં આગામી 27 ઓક્ટોબરથી પેપલ મારફતે પેમેન્ટ જમા થશે.
આ રિફંડ મેળવવા માટે કોઈ જ પ્રકારની લાંબી અરજી કરવાની કે ફોર્મ ભરવાની જરૂર નથી, કારણ કે કંપનીના રેકોર્ડના આધારે પાત્ર ગ્રાહકોની પહેલેથી જ પસંદગી કરી લેવામાં આવી છે. યોગ્ય ગ્રાહકોને 8 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર વચ્ચે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી રહી છે અને પેમેન્ટ મળ્યા પછી તેને સ્વીકારવા માટે યૂઝર્સ પાસે 30 દિવસનો સમય રહેશે. જોકે, ફેડરલ એજન્સીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે રિફંડ આપવાના નામે કોઈ ફોન કે મેસેજ કરીને પૈસા કે બેંક એકાઉન્ટની વિગતો માંગે તો સાવચેત રહેવું, કારણ કે એજન્સી ક્યારેય પૈસા માંગતી નથી. કૌભાંડથી બચવા માટે સંબંધિત ઓથોરિટીની વેબસાઇટ પર ફરીયાદ પણ કરી શકાય છે.
