યુગાન્ડામાંથી એક એવો રુંવાડા ઉભા કરી દેતો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને આખી દુનિયા હચમચી ગઈ છે. દેશના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સેસ જનરલ મુહુઝી કૈનેરુગાબાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે પોલીસે મોસેસ મુજુરિઝી નામના કુખ્યાત સિરિયલ કિલરને ઝડપી લીધો છે. આ શખ્સ પર વર્ષ 2010થી 2025 વચ્ચે લાંબા સમય સુધી આતંક મચાવીને કુલ 38 નિર્દોષ લોકોની હત્યા કરવાનો અને બાદમાં તેમના મૃતદેહ ખાઈ જવાનો ગંભીર આરોપ છે. યુગાન્ડાના ઈતિહાસમાં આ સૌથી ખતરનાક નરભક્ષક હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓએ પણ કડક વલણ અપનાવ્યું છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આ આરોપી મસાકા, ઇબાન્ડા અને કાઝો જેવા વિસ્તારોમાં સક્રિય હતો અને ખૂબ જ નિર્દયતાથી ઘરોમાં ઘૂસીને હુમલા કરતો હતો. તે ખાસ કરીને મહિલાઓને પોતાના પ્રેમજાળમાં ફસાવીને અથવા તો ઘરોમાં રાત્રે તિરાડો પાડીને તલવારોથી હુમલો કરતો હતો. પોલીસે આરોપીના ઘરમાંથી કેટલાક પુરાવા પણ કબજે કર્યા છે અને તેની સાથે અન્ય કોઈ સાથીદારો સંડોવાયેલા છે કે નહીં તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. અગાઉ 16 ઓક્ટોબર 2026ના રોજ મસાકા કોર્ટમાં તેની સામે મર્ડર અને હ્યુમન ટ્રાફિકિંગનો કેસ પણ સામે આવ્યો હતો, જેમાં તેને 5 નવેમ્બર 2026 સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
આ કેસ સામે આવ્યા બાદ યુગાન્ડાના ગ્રેટર મસાકા વિસ્તારમાં વર્ષોથી વણઉકેલાયેલા મિસિંગ પર્સન અને મર્ડરના જૂના કેસોની પણ ફાઇલો ફરી ખૂલી રહી છે. સત્તાવાળાઓ દ્વારા આ નરાધમ સામે પબ્લિક ટ્રાયલ ચલાવીને સખતમાં સખત એટલે કે ફાંસી જેવી સજા આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સેના અને પોલીસે દેશના અન્ય ગુનેગારોને પણ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે કાયદો હવે આવા રાક્ષસી કૃત્યો કરનારાઓને કોઈપણ ભოგે છોડશે નહીં અને આગામી કોર્ટ સુનાવણીમાં રજૂ થનારા પુરાવાઓ જ આ કેસનો અંતિમ ફેંસલો નક્કી કરશે.
