તમિલનાડુ અને કર્ણાટક વચ્ચેનો કાવેરી નદીના પાણીનો જૂનો વિવાદ ફરી એકવાર ગરમાયો છે. મંગળવારે તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કર્ણાટક પર ગંભીર આક્ષેપો કર્યા છે. તમિલનાડુનું કહેવું છે કે કર્ણાટક સરકાર કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA) ના આદેશોની જાણી જોઈને અવગણના કરી રહી છે. કર્ણાટકના ચાર મુખ્ય જળાશયોમાં પૂરતું પાણી હોવા છતાં નિયત કરવામાં આવેલું 3,000 ક્યુસેક પાણી છોડવામાં નથી આવી રહ્યું, જેને કોર્ટના આદેશની અવમાનના સમાન ગણવામાં આવી રહી છે.
અરજીમાં જણાવ્યા અનુસાર CWMA દ્વારા 23 ઓક્ટોબરના રોજ કર્ણાટકને 3,000 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બિલીગુડુલુ ખાતે નોંધાયેલા આંકડા મુજબ 24 ઓક્ટોબરે 1,652 ક્યુસેક, 25 ઓક્ટોબરે 1,853 ક્યુસેક અને 26 ઓક્ટોબરે 1,642 ક્યુસેક પાણી છોડાયું હતું, જે 27 ઓક્ટોબરે વધીને 3,002 ક્યુસેક થયું હતું. આમ, પહેલા 4 દિવસમાં માત્ર 8,149 ક્યુસેક પાણી જ છોડાયું હતું જ્યારે જરૂરિયાત 12,000 ક્યુસેક પાણીની હતી, જેના કારણે 3,851 ક્યુસેક પાણીની ઘટ પડી છે. વળી, 27 ઓક્ટોબર સુધી કર્ણાટકના ચાર મોટા જળાશયોમાં સંયુક્ત સ્ટોરેજ 52 tmcft જેટલું હતું. તમિલનાડુએ કર્ણાટકના બેંગલુરુ માટેના પીવાના પાણીના દાવાને ફગાવતા જણાવ્યું છે કે આગામી 7 મહિના માટે માત્ર 14 tmcft પાણીની જરૂર પડશે અને કર્ણાટકનો 43 tmcft પાણીનો દાવો અતિશયોક્તિભરેલો છે.
ડેલ્ટા વિસ્તારમાં પાણીની અછતને કારણે સંભા પાકની વાવણી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જ થઈ શકી છે, જેથી ખેડૂતો ચિંતામાં છે. તમિલનાડુએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે કર્ણાટકને બાકી રહેલું પાણી પૂરું પાડવાનો આદેશ આપવામાં આવે અને 6 નવેમ્બર સુધી દરરોજ 3,000 ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવે. આ સાથે CWMA ને પણ તેના 23 ઓક્ટોબરના આદેશ પર પુનર્વિચાર કરવા અને પ્રો-રટા ધોરણે બાકીનું પાણી છોડાવવા માટે યોગ્ય નિર્દેશો આપવાની વિનંતી કરવામાં આવી છે.
