ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી કિલિયાન એમ્બાપે માટે હાલમાં ચીનથી એક મોટા વિવાદના સમાચાર સામે આવ્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન ઇન્ટરનેટ મીમ્સ અંગે વાતચીતમાં એમ્બાપે દ્વારા ચીનના ક્રાંતિકારી નેતા માઓ ઝેડોંગને લઈને કરવામાં આવેલી ટિપ્પણીથી ચીની નાગરિકોની લાગણી દુભાઈ હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ ચીનમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને મામલો એટલો વણસ્યો કે એમ્બાપેએ મંગળવારે સત્તાવાર નિવેદન આપીને સૌની માફી માંગવી પડી હતી. એમ્બાપેએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઇરાદો કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો અને તેઓ ચીનના લોકો તથા તેમના ઇતિહાસ માટે ઊંચું સન્માન ધરાવે છે.
આ વિવાદની ગરમી એટલી વધી ગઈ કે તેની સીધી અસર એમ્બાપેના બિઝનેસ ડીલ્સ પર પડી છે. ચીનની પીણા બનાવતી કંપની ડોંગપેંગ, ડેરી જાયન્ટ મેંગન્યુ અને ચીઝ બનાવતી કંપની મિલ્કગ્રાઉન્ડ એમ ત્રણેય કંપનીઓએ મંગળવારે તાત્કાલિક ધોરણે એમ્બાપે સાથેના પોતાના કરારો રદ કરવાની જાહેરાત કરી દીધી હતી. આ તમામ કંપનીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય લાગણીઓને ઠેસ પહોંચાડનારા કોઈપણ શબ્દો કે કૃત્યોની વિરુદ્ધ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડનોટે પણ એમ્બાપે સાથેની પોતાની ભાગીદારી પૂરી કરીને 31 ડિસેમ્બર, 2024ના રોજ જ તમામ પ્રમોશનલ મટીરિયલ હટાવી લીધા હતા અને તેમના એકાઉન્ટ પર નવા ફોલોઅર્સ ઉમેરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
ચીનની સરકારે પણ આ મુદ્દે કડક વલણ અપનાવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું હતું કે ચીની લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડતી વાતોનો વિરોધ સ્વાભાવિક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો પર એમ્બાપે વિરુદ્ધ બાયકોટના હેશટેગ્સ નંબર વન ટ્રેન્ડિંગમાં રહ્યા હતા અને યુઝર્સે તેમને ચીનની મુલાકાત ન લેવા માટે પણ ચેતવણી આપી હતી. ફૂટબોલ ફેોર્મ્સમાં અવારનવાર એમ્બાપેને મજાકમાં ડિક્ટેટર તરીકે દર્શાવવામાં આવતા હોય છે, પરંતુ ચીનમાં માઓ ઝેડોંગ અત્યંત સંવેદનશીલ અને સન્માનીય ઐતિહાસિક વ્યક્તિત્વ હોવાથી આ મામલો વિવાદાસ્પદ બન્યો છે અને સ્ટાર ખેલાડીએ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.
