JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

મણિપુરમાં હાઇવે બ્લોકેડ અને જબરજસ્તી વસૂલાત સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ

Oct 27, 2026 | 21:50 | By JAMNAGAR MIRROR
મણિપુરમાં હાઇવે બ્લોકેડ અને જબરજસ્તી વસૂલાત સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ
ટીમ મૈતેઈ પર્સનાલિટીઝ મણિપુર અને મૈતેઈ એલિયન્સ ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં નેશનલ હાઈવે પર થતા ગેરકાયદે બ્લોકેડ, ખંડણી અને જબરજસ્તી વસૂલાત અટકાવવા માટે કડક આદેશોની માંગ કરાઈ છે.

મણિપુરમાં નેશનલ હાઈવે પર લોકો, મુસાફરો, માલસામાન અને આવશ્યક ચીજવસ્તુઓની સુરક્ષિત તથા મુક્ત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ટીમ મૈતેઈ પર્સનાલિટીઝ મણિપુર અને મૈતેઈ એલિયન્સ ટ્રસ્ટ દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતમાં કાનૂની લડાઈ શરૂ કરવામાં આવી છે. બંધારણની આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પિટિશનમાં મણિપુર સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પ્રતિવાદી તરીકે સામેલ કરવામાં આવ્યા છે, જેથી હાઈવેની સુરક્ષા માટે જવાબદાર એજન્સીઓ યોગ્ય પગલાં લેવા માટે જવાબદાર બને.

અરજીમાં મુખ્યત્વે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જાતિ, સમુદાય કે મૂળ નિવાસસ્થાનના આધારે કોઈપણ નાગરિકને નેશનલ હાઈવે પર પ્રવેશતા અટકાવી શકાય નહીં. ગેરકાયદેસર આંદોલનો, બંધ કે આર્થિક નાકાબંધીના નામે હાઈવે પર થતા રસ્તા રોકો આંદોલન અને મનસ્વી નિયંત્રણો સામે કડક નિર્દેશોની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, હાઈવે પર મુસાફરો પાસેથી બળજબરીથી ટેક્સ, ફી કે ફંડના નામે થતી ગેરકાયદેસર ઉઘરાણી અને ખંડણીના દૂષણને ડામવા માટે એક અસરકારક મિકેનિઝમ બનાવવાની માગણી કરાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે હાઈવે પર બનેલા ગેરકાયદેસર ચેકપોઇન્ટ્સ, બેરિયર્સ અને ટોલ બૂથ દૂર કરવા માટે પણ અદાલતમાં રજૂઆત થઈ છે.

આ સમગ્ર મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંકલિત સુરક્ષા યોજના બનાવીને 24 કલાક કાર્યરત રહેતી હેલ્પલાઇન અને નોડલ ઓફિસર્સની નિમણૂક કરવી જોઈએ, જેથી નાગરિકો કોઈપણ ડર વગર ફરિયાદ નોંધી શકે. હાઈવે પર ગેરકાયદેસર અવરોધો ઊભા કરનારા, તોડફોડ કરનારા અને ખંડણી વસૂલનારા તત્વો સામે ઝડપી તપાસ અને પ્રોસિક્યુશનની માંગ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, કટોકટીના સમયમાં વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા અને હાઈવે સંબંધિત ગુનાઓની ઝડપી સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવા અંગે પણ વિચારણા કરવા વિનંતી કરાઈ છે, જેથી સામાન્ય પ્રજાને જીવનજરૂરી ચીજવસ્તુઓ અને દવાઓની અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે.

LATEST ARTICLES